ગોવાથી ૪.૭૪ લાખનો દારૂ ભરીને આવતી ટ્રકને ઝડપતી ક્રાઈમબ્રાંચ
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કડક દારૂબંધી હોવા છતાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ થઈ રહી હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે ક્રાઈમબ્રાંચની એક ટીમે એસ.પી રીંગરોડ પરથી રૂા.ચાર લાખ ચુમોત્તેર હજાર રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી છે ઉપરાંત બે શખ્સોને પણ અટકાયતમાં લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે પીએસઆઈ એસ.બી. દેસાઈ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા એસ.પી. રીંગરોડ શાંતિપુરા સર્કલ નજીક વોચ ગોઠવી હતી અને એક આઈસરને કોર્ડન કરી હતી તેની તપાસ કરતા આઈસરના ગુપ્ત ખાનામાંથી રૂપિયા ચાર લાખ ચુમોત્તેર હજારનો ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનામાં ડ્રાઈવર હીરા ધાંધલ (રબારીવાસ, નાની મોલડી, ચોટીલા, સુરેન્દ્રનગર) તથા તેની સાથે રહેલા રિયાઝ રઝાકભાઈ ચૌહાણ (મોચી બજાર, ટાંકી ચોક ટાવર રોડ, સુરેન્દ્રનગર)ને પકડીને વધુ પુછપરછ કરતાં અમદાવાદના મુન્નાભાઈ નામના બુટલેગરના કહેવાથી ગોવાના માફસા જીઆડીસી ખાતેથી આ જથ્થો લઈ આવ્યા હોવાનું કબુલ્યુ હતું ક્રાઈમબ્રાંચે હાલમાં આ મુન્ના નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સહીત ૮,૭૪,૦૦૦ની મત્તા જપ્ત કરી છે.