બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કપડાનું વેચાણ કરતા પાંચ વેપારી ઝડપાયા
અમદાવાદ: કાલુપુર પાંચકૂવા પાસે દુકાનમાં દરોડા પાડીને રૂ.૭.૭૦ લાખનાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાંનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે જુદી જુદા બ્રાન્ડેડ કંપનીનાં કપડાં વેચતા પાંચ વેપારી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરવામાં આવતું હોવાની ઓરિજિનલ કંપનીના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા રિજનલ મેનેજરને બાતમી મળી હતી, જ્યાં મોંઘી કિંમતનાં કપડાનું સામાન્ય કિંમતે વેચાણ કરવામાં આવે છે, જેથી અમદાવાદની એક કંપની દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પરિણામે કાલુપુર પોલીસે શહેરના કાલુપુર વિસ્તારની કપડાંની શાહ રેડીમેડ હોઝિયરી, એફ.જે. ગાર્મેન્ટ, એચ.વાય. ટ્રેડર્સ, કલ્પના ટ્રેડર્સ, વારિસ ગાર્મેન્ટ દુકાનમાં દરોડા પાડ્યા હતા.
જ્યાં મોટી સંખ્યામાં બે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં મળી આવ્યા હતા. કપડાની દુકાન પર રેડ કરવામાં આવી ત્યારે બ્રાન્ડેડ કંપનીના શર્ટટીશર્ટ સહિત અનેક કંપનીનો ડુપ્લિકેટ માલ મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ૭.૭૦ લાખ જેટલી થવા જાય છે. કાલુપુર પોલીસ દ્વારા ફકરુદ્દીન શેખ, આરિસ મોહંમદ શેખ, ફરીદ મનસૂરી, વારીસઅલી સૈયદની ધરપકડ કરી તેમની સામે કોપીરાઇટ સાથે તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડીના કેસ દાખલ કરવામાં આવ્યા છે.