ચેન્નાઈનો ઓલરાઉન્ડર બ્રાવો ઈજાને કારણે IPL ગુમાવશે
સ્પર્ધામાં ટકી રહેવા માટે ચેન્નાઈની ટીમ સંઘર્ષ કરી રહી છે ત્યારે તેના માટે વધુ કપરી સ્થિતિ ઊભી થવા પામી છે
દુબઈ, ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલની હાલની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જેનાથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ચૂકેલી ધોનીની ટીમ માટે આ એક મોટો ઝટકો છે. અને હવે તેમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, ડ્વેન બ્રાવો ગ્રોઈનની ઈજાને કારણે આઈપીએલથી બહાર થઈ ગયો છે. ૩૭ વર્ષીય બ્રાવો અનેક વર્ષોથી સુપર કિંગ્સની ટીમનો મહત્વપુર્ણ પ્લેયર રહ્યો છે. તે ૧૭ ઓક્ટોબરે શારજાહમાં દિલ્હી કેપિટલ્સની સામે અંતિમ ઓવરમાં બોલિંગ માટે ઉતરી શક્યો ન હતો.
કેપ્ટન ધોનીએ તે બાદ બોલિંગ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જેની ઓવરમાં અક્ષર પટેલે ૩ સિક્સ લગાવીને દિલ્હીને જીત અપાવી હતી.
બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચ રમ્યો અને બે ઈનિંગમાં સાત જ રન બનાવી શક્યો હતો. તેણે જો કે છ વિકેટ લીધી હતી અને આ દરમિયાન ૮.૫૭ રન પ્રતિ ઓવરની એવરેજથી રન આપ્યા. સુપર કિંગ્સની ટીમ ૧૦ મેચોમાંથી સાત મેચોમાં હાર સાથે પ્લે ઓફમાંથી લગભગ બહાર થઈ ચૂક્યું છે.
અને હાલ તે પોઈન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે. આ પહેલાં સુપર કિંગ્સના સીનિયર ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજન સિંહ પણ આ સિઝનમાં ન રમવાનો ર્નિણય કર્યો હતો. જેના કારણે પણ ચેન્નાઈની ટીમ નબળી પડી ગઈ હતી. તો સાથે ધોની અને કેદાર જાધવ જેવાં સીનિયર ખેલાડીઓ આ વખતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. અને તેનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું છે.SSS