તાવ આવે ત્યારે ૧૦૪ હેલ્પલાઈન ઘરે આવી આપે છે સારવાર અને બ્લડ ટેસ્ટનું ત્વરિત પરિણામ
૧૦૪ ફીવર હેલ્પલાઇનનો સુખદ સ્વાનુભવ- રાજ્ય સરકારની ૧૦૪ ફીવર હેલ્પલાઇન દ્વારા તાવનું નિદાન ઘરમાં જ શક્ય છે.
`” બહાર ધોધમાર વરસાદ અને ચારેકોર પાણી-પાણી, વાતાવરણ ઠંડકમાં પરંતુ મારા ઘરમાં ગમગીન વાતાવરણ.. એનું કારણ એ હતું કે મારા ત્રણ વર્ષનાં દીકરા સ્પંદનને ખુબ જ તાવ હતો. તેનું મુરઝાઇ ગયેલું મોઢું જોઈને આજે આ વરસાદી માહોલ પણ મને ન ગમ્યો. વરસાદ આવે ત્યારે ન્હાવા જવાની જીદ કરનાર સ્પંદન આજે પથારીવશ હતો ત્યારે વરસાદ જલ્દી બંધ થાય તો દીકરાને હોસ્પિટલ લઈ જવાની અમને ઉતાવળ હતી ત્યારે જ અચાનક મનમાં વીજળીના ઝબકારાની માફક મને ૧૦૪ ફીવર હેલ્પલાઇન નંબરનો વિચાર આવ્યો. તુરંત જ મોબાઈલ હાથમાં લઈને નંબર ડાયલ કર્યો પણ ફરી વિચાર આવ્યો કે અત્યારે આવા વરસતાં વરસાદી માહોલમાં શું કોઈ ડોક્ટર ઘરે આવશે ખરાં??!! ‘ને આ વિચાર આવતાં જ મેં ફોન કરવાનું ટાળ્યું…પણ દીકરાને તાવમાં કણસતા જોઈને ન રહેવાયું અને ફરી જોડયો નંબર ૧૦૪. ‘’
આદરભર્યા સ્વરમાં મારી વાત સાંભળીને બધી જ પ્રાથમિક વિગતો લઈને મને કોલ સેન્ટરમાંથી જણાવ્યું કે “થોડીવારમાં જ તમારા આ નંબર પર કોલ આવશે અને આરોગ્ય અધિકારી ઘેર આવી જશે.” રાહતનો શ્વાસ લઈને હવે રાહ જોવાઈ ફોન આવવાની. થોડીવાર પછી ફોન આવ્યો કહ્યું કે તમારા આપેલ સરનામાં પર જલ્દી જ પહોંચીએ છીએ.
વરસાદની હેલી વચ્ચે ચિંતા કર્યા વિના આરોગ્ય અધિકારી અને ડૉકટર અમારા ઘરે આવ્યા અને સ્પંદનના તાવના નિદાન માટે મેલેરીયા ટેસ્ટ કર્યો. આ ટેસ્ટનુ રિઝલ્ટ પણ તરત જ આવ્યું. દીકરાને મેલેરીયા નથી એ જાણીને હાશકારો અનુભવ્યો. તેમણે જરુરી સુચન અને દવા આપી. ૧૦૪ ની સેવા થકી દવા અને સારવાર મને ઘરબેઠા તુરંત જ મળી અને વ્હાલસોયા દીકરાના ચહેરા પર ખુશી જોવા મળી.
મોટા ભાગના લોકોને આ ૧૦૪ ફીવર હેલ્પલાઇન એટલે શું? એ પ્રશ્ન છે, તો આવો જાણીએ કે રાજ્ય સરકારની આ હેલ્પલાઇન કઇ રીતે કામ કરે છે અને જાહેર જનતા તેનો મહતમ લાભ કેવી રીતે લઇ શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય અને GVK EMRI નો સંયુકત પ્રોજેકટ એટલે પ્રજાને ખરા અર્થમાં કલ્યાણકારી અને સુખદ અનુભવ કરાવતી હેલ્પલાઇન-૧૦૪
રાજ્યમાં તાવનાં કોઇપણ દર્દીએ અથવા તેમના સગા-વ્હાલાઓએ તેમનાં ઘરે બેઠાં જ આ હેલ્પલાઇનથી નિ:શુલ્ક સારવાર – લેબોરેટરી ટેસ્ટ તથા દવાઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત ટોલફ્રી નંબર ૧૦૪ પર સંપર્ક કરવાનો રહે છે. કોઇપણ મોબાઇલ અને લેંન્ડલાઇન પરથી આ નંબર પર ફોન કરી શકાશે. આ ૧૦૪ની સેવા ચોવીસ કલાક માટે સમગ્ર ગુજરાતભરમાં ઉપલબ્ધ છે.
૧૦૪ રિસપોંન્સ સેંન્ટરમાં મુશ્કેલીમાં મુકાયેલ કોઇપણ વ્યક્તિનો ફોન આવવાથી તેના તાલિમબધ્ધ કર્મચારીગણ ફોન કરનાર વ્યક્તિ પાસેથી તેમનું નામ, ફોનનંબર,સરનામું, તાલુકો, જિલ્લો અને કયા શહેર કે ગામથી ફોન કરો છો તે વિગતો મેળવે છે. આ ઉપરાંત દર્દીનું નામ,ઉમંર, પુરુષ છે કે સ્ત્રી,કેટલા સમયથી તાવ આવે છે, અત્યાર સુધી કઇ-કઇ દવાઓ આપી છે? જેવી પ્રાથમિક માહિતી એકઠી કરીને ફોન કરનાર વ્યક્તિની નજીક રહેલા આરોગ્ય અધિકારીને ફોન અને SMS થી જાણ કરવામાં આવે છે. તુરંત જ નજીક રહેલા સરવાર કેન્દ્રમાંથી આરોગ્ય અધિકારી હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિના ઘરે જઇને નિદાન અને લોહીનું પરિક્ષણ કરે છે. આ પરિક્ષણથી દર્દીને તાવના લક્ષણો જાણીને તેને મેલેરિયા અથવા અન્ય પ્રકરનો તાવ છે કે નહીં? તેની સ્થળ પર જ ચકાસણી થઇ જાય છે. જરુરી દવાઓ પણ આપવામાં આવે છે. જે તદન નિ:શુલ્ક રહેશે.
સ્થાનિક આરોગ્ય અધિકારી દ્વારા તાવના દર્દીની સારવાર અને નિદાન કર્યા બાદ કરેલ કામગીરીની માહિતી ૧૦૪ રિસપોંન્સ સેંન્ટર પર ફોન રજીસ્ટ્રેશન ઓફિસરને આપે છે. રજીસ્ટ્રેશન ઓફિસરને તાવના દર્દીની તબિયતની ઉપરોકત માહિતી જો ગંભીરતાજનક લાગે તો તેવા કિસ્સાઓમાં ત્વરિત ૧૦૮ની સહાયતા ઉપલ્બ્ધ કરાવીને દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવે છે.
આરોગ્ય અધિકારીના ઘેર આવ્યા બાદ ચોવીસ કલાકની અંદર ૧૦૪ કોલ સેંન્ટર તરફથી ફોન કરીને દર્દીનો ફીડબેક/પ્રતિભાવ લેવામાં આવે છે. જેમા આ સેવા મેળવ્યા બાદ દર્દીની સ્થિતિ કેવી છે? અને આરોગ્ય અધિકારીનો રિસપોંન્સ કેવો હતો? જેના જવાબ આપવાના રહે છે. જો દર્દીની તબિયતમાં કોઇ સુધારો જણાયો ના હોઇ તો ફરી નવું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ દ્વારા દર્દીને મળેલ સેવાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સેવા લીધેલ લાભાર્થી અન્ય પ્રતિભાવ કે માહિતી આપવા માંગતા હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે. રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની આ યોજના ખરેખર હિતલક્ષી છે. જેનો જરૂરિયાતમંદ લોકો મહતમ લાભ લઇ રહ્યા છે. આલેખન:- મનીષા પ્રધાન માહિતી ખાતું – અમદાવાદ