Western Times News

Gujarati News

દશેરા પહેલા ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોનાના કારણે રાવણ દહન થવાનું નથી. પણ અમદાવાદના સ્વાદ રસિયાઓ ફાફડા જલેબીની જયાફત જરૂરથી ઉડાવશે. ત્યારે વિજયાદશમી પહેલા જ ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને છે. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ગરબાના આયોજનો અને રાવણ દહન જેવા કાર્યક્રમો કે જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય ત્યાં પ્રતિબંધ ફરમાવ્યો છે.

તેમ છતાં દશેરાની ઉજવણીના ભાગરૂપે ફાફડા જલેબી આરોગવાનું કલચર છે. આ વખતે પણ દર વર્ષની જેમ જ લોકો ફાફડા જલેબીની લિજ્જત માણશે. જેને લઈ ફરસાણના વેપારીઓને ત્યાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ ફાફડા ૪૫૦થી ૬૦૦ રુપિયે કિલો, જ્યારે ચોખ્ખા ઘીમાં જલેબી ૬૦૦થી ૭૦૦ રુપિયે કિલો વેચાઈ રહ્યાં છે.

જ્યારે તેલમાં જલેબી ૨૬૦થી ૪૦૦ રુપિયા કિલો આસપાસ વેચાણ થઈ રહ્યું છે. જોકે, દશેરાના દિવસે આ ભાવથી પણ વધુ ભાવ લેવાશે તે નક્કી છે. લોકોએ જણાવ્યું કે, દશેરા જેવા તહેવારની ઉજવણીની વાત હોય ત્યારે ક્વોલીટી અને પ્રાઈઝમાં કોઈ બાંધછોડ કરતા નથી. તેમજ ફાફડા જલેબી મોંઘા હોય તો ઓછા ખાવાના પણ જલેબી અને ફાફડા ખાવાના એટલે ખાવાના. ફરસાણના વેપારી જણાવ્યું કે, દર વર્ષ કરતા આ વખતે પરિસ્થિતિ જુદી છે.

કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક સંકડામણમાં છે, પણ લોકો ફાફડા-જલેબી પેટ ભરીને ખાતા હોય છે. આ વર્ષે પણ આવું જ જોવા મળશે. સામાન્ય રીતે અમદાવાદમાં ફરસાણના વેપારીઓની સાથે મંડપ બાંધીને સ્ટોલ ઊભા કરીને પણ ઘણા લોકો દશેરાના દિવસે ખાસ ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. એટલે કે અમદાવાદમાં ફરસાણના વેપારીઓ સિવાય અલગથી મંડપ ઉભા થાય તેવા ૮થી ૧૦ હજાર સ્ટોલ ફાફડા જલેબીના લાગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.