Western Times News

Gujarati News

કેડીલા અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓના પરિવારોને આવશ્યક ચીજોની કીટ પૂરી પાડવાનો અવિરત ચાલુ રહેલો સેવાયજ્ઞ

અમદાવાદઃ લૉકડાઉન દરમ્યાન મધ્યાહ્ન ભોજન યોજનાનો અભાવ અનુભવી રહેલા શાળાના વિદ્યાર્થીઓને કેડીલા ફાર્માએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહયોગથી આવશ્યક ખાદ્ય ચીજોની કીટની વિતરણ ચાલુ રાખ્યું છે. બંને સંસ્થાઓએ સાથે મળીને ત્રણ માસ દરમ્યાન 4400 કરતાં વધુ પરિવારોને આવશ્યક ચીજોની કીટનું વિતરણ કર્યું છે.

અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને કેડીલા ફાર્માસ્યુટીકલ્સ અમદાવાદ અને ગાંધીનગર જીલ્લામાં આવેલી 38 સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 10,863 વિદ્યાર્થીઓને અમર્યાદિત મધ્યાહ્ન ભોજન સ્પોન્સર કરી રહ્યા હતા. લૉકડાઉન પછી ઓછી આવક ધરાવતા સમુદાયોના આ બાળકોને શિક્ષણ અને આરોગ્યના મર્યાદિત સ્રોત ઉપલબ્ધ હતા. કેડીલા ફાર્મા અને અક્ષય પાત્ર ફાઉન્ડેશને શક્ય હોય તેટલા વિદ્યાર્થીઓને આ કપરાં સમયમાં સહાય આપવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના હેડ ઓફ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી, શ્રી બી. વી. સુરેશ જણાવે છે કે “અમે 1951મા પ્રારંભ કર્યો ત્યારથી અમારા સમુદાયોની કાળજી લેવાનું ચાલુ રાખ્યું છે. અમે શક્ય તેટલા પરિવારોને કીટ્સનું વિતરણ કરી રહ્યા છીએ. આ એક અનોખો કાર્યક્રમ છે, જેમાં કલેક્ટર ઓફિસ, શિક્ષણ વિભાગ અને વિવિધ ગામોની સ્થાનિક પંચાયતો અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે મળીને કામ કરે છે.”

આ સરકારી શાળાઓના બાળકો આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવે છે અને તેમને મર્યાદિત, શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી ઘણાં પરિવારોને અને ખાસ કરીને બાળકોને માઠી અસર થઈ છે, કારણ કે તે શાળામાં જઈ શકતા નથી અને તેમને મધ્યાહ્ન ભોજન મળતું નથી. આ સ્થિતિમાં બાળકોના શિક્ષણની સાથે સાથે તેમના આરોગ્યને પણ માઠી અસર થઈ છે.

આવશ્યક ચીજોની કીટમાં કરિયાણાની 11 ચીજો (તુવરદાળ, દેશી ચણા, કપાસિયા તેલ, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ, રાઈ, મીઠુ, ગોળ અને શેકેલા સિંગદાણા તથા શેકેલા ચણા)નો સમાવેશ કરાયો છે. સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતાં ઘઉં અને ચોખા ઉપરાંત આ કીટ આપવામાં આવે છે.

આ વિદ્યાર્થીઓના માતા-પિતાને આ કીટ લેવા માટે બોલાવવામાં આવે છે. લોકોને ટોળે વળતા અટકાવવા માટે તથા સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા માટે વિતરણ તબક્કાવાર કરવામાં આવે છે. આ ચીજો ઉપરાંત કોવિડ-19થી સુરક્ષા માટેની સ્થાનિક ભાષામાં છાપેલી માર્ગદર્શિકાઓનું પણ વિતરણ કરીને લોકોમાં જાગૃતિ પેદા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.