અમિતાભને સર જી ન કહેવાનું કાદર ખાનને નુકસાન થયું હતું
મુંબઈ: બોલિવુડના વેટરન એક્ટર અને રાઈટર કાદર ખાનની બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે ફેમિલી મેમ્બર, તેમની નજીકના વ્યક્તિઓ અને ચાહકોએ કાદર ખાનના ઈન્ડસ્ટ્રીમાં યોગદાનને યાદ કર્યું. કાદર ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ કરિયર વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના મિત્ર અમિતાભ બચ્ચનને સર જી ન કહેવા પર ફિલ્મો હાથથી નીકળી ગયાનો કિસ્સો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમનું ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮એ નિધન થઈ ગયું હતું.
કાદર ખાને જણાવ્યું હતું કે, તેઓ અમિતાભ બચ્ચનને અમિત કહેતા હતા. એક વખત એક સાઉથના ફિલ્મ પ્રોડ્યૂસરે પૂછ્યું હતું કે, શું તમે સર જીને મળ્યા છો. પૂછવા પર જાણવા મળ્યું કે, પ્રોડ્યૂસર અમિતાભ બચ્ચન વિશે વાત કરી રહ્યા હતા. કાદર ખાને કહ્યું હતું કે, તે પછી બધા અમિતાભને સર જી કહેવા લાગ્યા. જોકે, તેમણે અમિતાભને સર જી ન કહ્યા. તેમણે માન્યું કે, તે પછી તેમના હાથમાંથી ફિલ્મો નીકળી ગઈ. ઉલ્લેખનીય છે કે, કાદર ખાને અમિતાભ બચ્ચનની સાથે અદાલત, સુહાગ, મુકદર કા સિકંદર, નસીબ, કુલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તે ઉપરાંત કાદર ખાને અમિતાભ બચ્ચનની અમર અકબર એન્થની, સત્તે પે સત્તા અને શરાબી જેવી ફિલ્મોના ડાયલોગ પણ લખ્યા હતા. કાદર ખાનના પુત્ર સરફરાઝ ખાને કહ્યું હતું કે, મારા પિતા એક વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને તે બચ્ચન સાહેબ (અમિતાભ બચ્ચન) હતા. હું મારા પિતાને પૂછતો હતો કે, તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કોને મિસ કરે છે, તેના પર તેમનો જવાબ બચ્ચન સાહેબ હતો. મને ખબર છે કે, બંને તરફથી આ પ્રેમ હતો.