અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા 10000 કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયું
રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : પવનકુમાર
કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ મહત્વનો ભાગ ભજવી રહી છે. કોરોના રસીની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે “સ્વરક્ષણ હિતાય સર્વ જન સુખાય”નો મંત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થઇ રહ્યો છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ જ તેમને કોરોના વાયરસથી બચાવવામાં શ્રેષ્ઠ સાબિત થઇ રહી છે.
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા લોકોના સ્વાસ્થયની દરકાર કરીને “પ્રોજેક્ટ અમૃતા” શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી સંશમની વટી આયુર્વેદિક ગોળીનું વિતરણ ઠેર ઠેર હાથ ધરવામાં આવ્યુ હતુ.
સમગ્ર ગુજરાતમાં ૨૦ હજાર થી પણ વધારે લોકોને સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે. એકલા અમદાવાદ શહેર અને જિલ્લામાં જ ૧૦ હજારથી વધુ સંશમની વટીનું વિતરણ હાથ ધરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ શહેરમાં આવેલી અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રેલવે યાર્ડ, વિવિધ બેંક, ટ્રાફીક વિભાગ , પ્રાણી સંગ્રહાલય, ફોરેન્સીક સાયન્સ લેબ, સરકારી ઓફિસો, હાઇ કોર્ટ, ફાયર બ્રિગેડ સ્ટેશન, એસ.વી.પી. અને સીવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની લડતના ફ્રંટલાઇન વોરીયર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવા હેતુ ૧૨૦ દિવસમાં ૧૦ હજાર સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે.
સંશમની વટીના વિતરણ બાદ અખંડઆનંદ કોલેજના પી.જી. સ્કોલર્સ દ્વારા સતત દર્દીઓનું ફોલોઅપ લેવામાં આવતુ હતુ. દર ૧૪ માં અને ૨૮ માં દિવસે તેમનું ફોલોઅપ લઇ કોલેજ દ્વારા બનાવવામાં આવેલી અમૃતા એપમાં ડેટા ડિજીટલી સ્ટોર કરવામાં આવતો હતો. આ સંશમની વટીનો ૨૮ દિવસનો કોર્સ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક ફ્રંટલાઇન વોરીયર્સે કોર્સ પૂર્ણ થઇ ગયા બાદ પણ આ દવા લેવા માટે આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખની છે કે ગળોમાંથી બનતી સંશમની વટી શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ અસરકારક છે. આયુષ મંત્રાલય દ્વારા પણ સંશમની વટીને આયુર્વેદ દિવસના રોજ રાષ્ટ્રીય ઔષધ તરીકે જાહેર કરવાની સંભાવનાઓ રહેલી છે.
અમદાવાદ રેલવે વિભાગના મદદનીશ ડિવીઝનલ એન્જીનીયર પવન કુમાર કહે છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન અમારો સમગ્ર સ્ટાફ હાઇરીસ્ક વચ્ચે કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન અમને આયુષ મંત્રાલય દ્વારા કાર્યરત પ્રોજેક્ટ અમૃતા વિષે જાણ થતા અમે અખંડાનંદ આયુર્વેદિક કોલેજનો સંપર્ક કર્યો હતો. કોલેજ દ્વારા અમારા યાર્ડમાં સંશમની વટી વિતરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંશમની વટીના ૨૮ દિવના કોર્સના કારણે જ અમારો ૫૦૦ થી વધારેનો સ્ટાફ કોરોનાના સંક્રમણથી બચી શક્યો છે. પવનકુમારે ફરી વખત આયુર્વેદિક કોલેજને સંશમની વટી અને આરોગ્યવર્ધક ઉકાળા વિતરણના કેમ્પ કરવા માટે આગ્રહ કર્યો છે. સંશમની વટીએ અમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ પવનકુમાર ઉમેરે છે.