રૂા.૪૭૦ કરોડના ખર્ચે ૮૫૦ પથારી ધરાવતી અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલનું લોકાર્પણ થશે
દેશમાં પ્રથમ વખત હદયરોગના દર્દીઓ માટે I.C.C.U. ઓન વ્હીલ અને ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ થશે : ટેલી કાર્ડીયોલોજી સેવાના કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર થશે
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે ૨૪ મી ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલમાં નવનિર્મિત બાળ હદયરોગની અત્યાધુનિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ધઘાટન કરશે.
ઉલ્લેખનીય છે કે,સિવિલ સંકુલમાં આવેલ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે બાળકો માટે રૂા.૪૭૦ કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલ ૮૫૦ પથારી ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલીટી કાર્ડિયાક હોસ્પિટલ છે.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે. નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષ્યમાં લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યુ હતુ જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતા ખરા અર્થમાં સાકાર થવા જઇ રહ્યુ છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે વડાપ્રધાનશ્રીના સૂચનને ધ્યાનમાં લઇને તાત્કાલિક જરૂરી મંજૂરીઓ આપી ઝડપથી આ હોસ્પિટલ નિર્માણ પામે તે માટે હોસ્પિટલ તંત્રને સમયે સમયે માર્ગદર્શન પુરૂ પાડી માત્ર ૨ વર્ષના ટુંકા ગાળામાં અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી યુ.એન. મહેતા હોસ્પિટલમાં કૂલ ૨૧ લાખ ૯૧ હજાર દર્દીઓએ સારવાર લીધી છે.જેમાંથી ૪૪ હજાર બાળકોનો સમાવેશ થાય છે. ૩ લાખ ૪૨ હજાર દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર મેળવી છે. જ્યારે ગંભીર પ્રકારની બિમારી ધરાવતા ૬૩ હજાર ૭૦૨ દર્દીઓની હ્યદયરોગની સર્જરી કરવામાં આવી છે. જેમાં ૨ હજાર જેટલા બાળકોનો સમાવેશ થાય છે.
યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બનેલ બાળ હ્યદયરોગની હોસ્પિટલ સમગ્ર ભારતભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે. જેમાં દર્દીઓને હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સરળતાથી મળી રહેશે. ટેલીકાર્ડિયોલોજી પ્રોગ્રામને કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર મળી રહેશે.