અંબાજી મુકામે નીતિનભાઇ પટેલના હસ્તે નવીન અતિથિ ભવનનું લોકાર્પણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા વિશેષ આયોજન અને જંગી રકમની ફાળવણી કરીને રાજ્યના યાત્રાધામોને સુવિધાસજ્જ બનાવાયા છે. રાજ્યના તમામ યાત્રાધામોને જોડતા રસ્તાઓ ફોરલેન બનાવવાનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે, સારા રસ્તાઓને લીધે વિકાસકૂચ ઝડપી બને છે તેમજ લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડુતો અને પશુપાલકોની આવક બમણી કરવા સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, દૂધના પાવડરના ભાવમાં ઘટાડો થયો હોવાથી પશુપાલકોના હિતમાં સરકાર દૂધના પાવડર નિકાસમાં પ્રતિ કિ. લો. એ રૂ. ૫૦ ની સબસીડી આપશે. તેમણે કહ્યું કે, સરકાર ખેડુતોના હિત બાબતે ચિંતા કરીને કાળજીપૂર્વક નિર્ણય લઇ ઉદારતાથી સહયોગ આપે છે. તેમણે જણાવ્યું કે, સરકાર ખેડુતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો કરવા દિન-રાત વ્યાપક પ્રયાસો કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સૌનો સાથ…. સૌનો વિકાસ…. સૂત્રનાં આધારે આ સરકાર પરિણામાદાયી પ્રયાસો કરી રહી છે પરિણામે રાજયમાં તમામ વિસ્તારો અને તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસકૂચ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. રાજયમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, ઔધોગિક અને કૃષિ સહિત તમામ ક્ષેત્રોમાં વિક્રમજનક વિકાસથી પ્રજા સુશાસન અને વિકાસનો અહેસાસ કરે છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીના અથાક પ્રયાસો અને લોકોના સહકારથી કોરોના વાયરસના સંક્રમણ તથા તીવ્રતામાં ઘટાડો થયો છે. હોસ્પીટલોમાં હવે પથારીઓ ખાલી રહે છે. લોકોના આરોગ્ય બાબતે સરકાર ખુબ જ સક્રિય પ્રયાસો દિવસ-રાત કરી રહી છે. કોરોના સામેના જંગમાં અભૂતપૂર્વ અને સરાહનીય યોગદાન આપનાર ર્ડાકટર, નર્સ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની કામગીરીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. તેમણે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેર અપીલને ધ્યાનમાં લઇ માસ્ક જરૂર પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ તથા આ બાબતે જાગૃત રહીએ.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, રૂ. ૧૫ કરોડના ખર્ચથી નવનિર્મિત અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકારના સક્રિય પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં ખુબ સરસ રસ્તાઓ સહિત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાંસદશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીના સક્રિય અને વ્યાપક પ્રયાસોને લીધે બનાસકાંઠા જિલ્લો ઝડપભેર વિકસીત જિલ્લાઓની હરોળમાં આવી રહ્યો છે. શિક્ષણમાં ઉપલબ્ધ બનાવાયેલી વ્યાપક સુવિધાઓને લીધે આવતીકાલ ઉજ્જવળ અને સુખદાયી બનવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું.