સીરમ ઇન્સ્ટિટ્યુટનો દાવો : આવનારા 20 વર્ષ સુધી કોરોના રહેશે
નવી દિલ્હી, દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દુનિયાભરના લોકો રાહ જોઇ રહ્યા છએ કે ક્યારે કોરોનાની વેક્સીન આવે ને ક્યારે આ મહામારીમાંથી છુટકારો મળે. દુનિયાની અનેક દિગ્ગજ કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વેક્સીન અંગે સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે દુનિયાની અગ્રણી વેક્સીન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે દાવો કર્યો છે કે કોરોના વાયરસની મહામારી એમ જલ્દી જવાની નથી, આવનારા બે દશક સુધી કોરોના વાયરસની આ બીમારી રહેશે.
સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ એક વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું છે કે આવનારા 20 વર્ષ સુધી કોરોના વાયરસનો ફેલાવો થતો રહેશે અને લોકોને તેનો ચેપ લાગશે. અને ત્યાં સુધી વેક્સીનની જરુર પણ રહેશે. પૂનાવાલાએ આગળ કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઇ પણ રસીની જરુરિયાત એક જ વારમાં પુરી થઇ ગઇ હોય.
જેના માટે તેમણે ન્યુમોનિયા, ફ્લુ વગેરે બીમારીઓના ઉદાહરણ આપતા કહ્યું કે આ તમામ બીમારીઓની વેક્સીન વર્ષોથી વપરાય છે અને હજુ પણ તેનો વપરાશ શરુ જ છે. ત્યારે કોરોના વેક્સીન સાથે પણ આવું થઇ શકે છે.
પૂનાવાલાએ જણાવ્યું કે જો વિશ્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ. વેક્સીન એ કોઇ ઠોસ ઉપાય નથી, તેના વડે માત્ર ઇમ્યુનિટી જ વધે છે. વેક્સીનના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન થાય છે. જે તમને બીમારીથી બચાવે છે, પરંતુ 100 ટકા નહીં.