Western Times News

Gujarati News

મોદી અંબાણી-અદાણીનાં કામ કરે છે: રાહુલનો પ્રહાર

નવાદા, બિહારના ચૂંટણી મેદાનમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. રાહુલ ગાંધીએ નવાદાના હિસુઆમાં રેલીને સંબોધતા ટોણોં મારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ટીકા કરી હતી. રાહુલે લોકોને સવાલ કર્યો હતો કે, નીતીશ કુમારની સરકાર કેવી લાગી? મોદીજીના ભાષણ કેવા લાગ્યા? સારા લાગ્યા? રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ આવે છે અને કહે છે કે ખેડૂતોની સામે શિશ નમાવું છું, સેના સામે શિશ ઝુકાવુ છું, મજૂરો સામે શિશ નમાવુ છું, નાના વ્યાપારીઓ સામે શિશ નમાવુ છું. પણ ઘરે જઈને અંબાણી-અદાણીનું કામ કરે છે. પણ આ વખતે બિહારમાં નરેન્દ્ર મોદીને યોગ્ય જવાબ મળશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી.રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં લોકોને પૂછ્યું હતું કે, નીતિશજીની સરકાર તમને કેવી લાગી? મોદીજીનું ભાષણ કેવું લાગ્યું? તેમણે કહ્યું કે જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદાખ હું ગયો છું.

લદાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી પાણી એક કરીને જમીનની રક્ષા કરે છે. ચીને આપણા ૨૦ જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવ્યો. પણ વડાપ્રધાને ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. પીએમ મોદીએ ખોટું કહ્યું કે, ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું ઝુકાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો.

રાહુલ ગાંધીએ પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, પીએમ મોદીએ ગત વખતે કહ્યું હતું કે, ૨ કરોડ લોકોને રોજગાર મળશે. પરંતુ શું મળ્યું- શૂન્ય, આવે છે અને કહે છે ખેડૂતો, મજૂરો, સેનાઓ અને નાના વેપારીઓ સામે માથું નમાવું છું. પરંતુ ઘરે જઈને અંબાણી અને અદાણી માટે કામ કરે છે. ભાષણ તમને આપશે. માથુ નમાવશે તમારી સામે પણ કામ કરવાનો સમય આવશે ત્યારે કામ કોઈ બીજા માટે કરશે. નોટબંધી કરી પરંતુ બેંક સામે તમે ઊભા રહ્યા. તમારા પૈસા ક્યાં ગયા? હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં.

આરજેડીના તેજસ્વી યાદવે કહ્યું હતું કે, કેટલાક લોકો જાતિના નામે તો કેટલાક ધર્મના નામ પર લડાવશે પરંતુ બિહારના લોકો આ વખતે બેરોજગારી, કામના મુદ્દે લડશે. ખેડૂતો અને મજૂરોના મુદ્દે લડશે. ૯ નવેમ્બરે લાલુજી છૂટશે, ૯ નવેમ્બરે મારો જન્મદિવસ પણ છે. ૧૦ નવેમ્બરે નીતિશજીની વિદાય નક્કી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.