Western Times News

Gujarati News

સુરતમાં રત્નકલાકાર પર છરી હુલાવી ૧૬૦૦ના હીરાની લૂંટ

પ્રતિકાત્મક

સુરત: સુરત બિઝનેસ હબની સાથે લૂંટારૂઓ માટે પણ લૂંટ ચલાવવાનું હબ બની ગયું હોય તેમ લાગે છે. રોજે-રોજ હત્યા, લૂંટ, ચોરી, રેપ જેવી ઘટનાઓથી સુરત બદનામ થઈ રહ્યું છે. ધોળે દિવસે લોકોને લૂંટતી અનેક ટોળકીઓ સક્રિય થઈ છે, જેને પગલે પોલીસના માટે પણ લૂટારૂઓ માથાનો દુખાવો બની ગયા છે. પોલીસની પણ હવે આવા લોકોને કોઈ બીક નથી રહી. આવી જ વધુ એક લૂંટની ઘટના કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે, જેમાં એક રત્ન કલાકારના ગળા પર ચાકુ ફેરવી લૂંટ ચલાવવામાં આવી છે. કાપોદ્રા અક્ષર ડાયમંડ પાસે જાહેર રોડ ઉપર ગઈકાલે, મોડી સાંજે રત્નકલાકાર શાકભાજી ખરીદવા જઈ રહ્યો હતો,

આ સમયે બે બદમાશોએ તેને આંતરી લીધો અને ગળાના ભાગે છરી મારી મોબાઈલ, રોકડ રકમ અને હીરાની લૂંટ ચલાવી નાસી જતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંગોળી લૂંટારૂઓની ભાળ મેળવવા ચક્રોગતિમાન કરી દીધા છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી ભરતભાઈ ભરોડીયાના ખાતામાં કામ કરનાર મહાવીર પ્રેમસિંહ રાજપુત (ઉ.વ.૨૦) હીરા ઘસવાનું કામ કરે છે. મહાવીર સાથે તેના રૂમમાં તેના વતનના મિત્રો અખિલેશ, રાકેશ અને અનીલ પણ રહે છે. આ દરમિયાન ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે મહાવીર શાકભાજી લેવા માટે જતો હતો,

તે વખતે કાપોદ્રા અક્ષર ડાયમંડ પાસેથી પસાર થતો હતો તે વખતે તે બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી ઉભો રાખ્યો હતો. રત્નકલાકાર કઈં સમજે તે પહેલા તો, લૂંટારૂઓએ ગળાના ભાગે છરીના ઘા મારી ખિસ્સામાંથી મોબાઈલ, રોકડા ૫૦૦ રૂપિયા અને આઠ તૈયાર હીરા, જેની કિંમત રૂપિયા ૧૬૦૦ના મતાની લૂ્‌ંટ ચલાવી ભાગી ગયા હતા.હિમ્મત કરી મહાવીર રાજપૂત લોહીલુહાણ હાલતમાં દોડતો દોડતો કારખાને ગયો હતો, અને માલીક ભરતભાઈને જાણ કરતા તેઓએ પહેલા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, ત્યાં મહાવીરને ગળાના ભાગે ૧૫ ટાકા આવ્યા હતા.

પોલીસે મહાવીરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોબાઇલ લૂંટની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, થોડા દિવસ પહેલા આવી જ એક રત્નકલાકાર સાથે લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં એક યુવાનના હાથમાંથી મોબાઇસ્નેચીંગ કરનાર લોકોના સીસીટીવી પણ સામે આવ્યા હતા, ત્યારે આવા આરોપી હાલ સુરત પોલીસ માટે માથાનો દુખાવો બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.