અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની સામાન્ય સભા પહેલા કોરોના ટેસ્ટ માટે અસમંજસ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત રપ સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે મળેલી માસિક સામાન્ય સભામાં રાજ્ય સરકારે કોરોના માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.
લોકસભા અને વિધાનસભાની માફક મનપાની સામાન્ય સભામાં હાજરી આપનાર કોર્પોરેટર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આગામી 28 ઓક્ટોબરે મળનાર માસિક સામાન્ય સભામાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થાય તેવી શક્યતા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ આગામી 28 ઓક્ટોબરે મળનાર માસિક સામાન્ય સભા પહેલા કોર્પોરેટર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી નહિવત શકયતા છે.
સપ્ટેમ્બર મહિનામાં મળેલ બોર્ડ પહેલા મેયર ઓફીસ તરફથી કોરોના ટેસ્ટ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જયારે આગામી બોર્ડ આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે પરંતુ મેયરે કોરોના ટેસ્ટ માટે પરિપત્ર કર્યો નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટરો જ કોરોના ટેસ્ટ કરાવવા તૈયાર નથી. તેમજ ટેસ્ટ કરવા માટે ફરજ પાડવામાં આવશે તો ઓનલાઇન હાજરી માટે મન બનાવ્યું છે. સપ્ટેમ્બર ની માસિક સામાન્ય સભાની જેમ આગામી બોર્ડમાં પત્રકારોના પ્રવેશ માટે પણ જાહેરાત થઈ નથી.
અત્રે નોંધનીય છે કે ગત ર૪ સપ્ટેમ્બરે તમામ ૧૯ર કોર્પોરેટર, ડે. મ્યુનિ. કમિશ્નર, મ્યુનિ. કમિશ્નર તથા સેક્રેટરી ઓફીસ સ્ટાફના આર. ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સભ્યનો રીપોર્ટ પોઝીટીવ આવશે તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહતો.
કોંગ્રેસના ઇમરાન ખેડવાળાએ વિધાનસભા માટે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો તેને મેયરે માન્ય ન રાખતા વિવાદ થયો હતો. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે ટાગોર હોલ ખાતે માસિક સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પત્રકારોને પ્રવેશ આપવા મામલે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પત્રકારો માટે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાય તેવી શક્યતા છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ મ્યુનિ. બોર્ડમાંથી પત્રકારોની બાદબાકી કરવાની પેરવી ચાલી રહી છે. મ્યુનિ. શાસક પક્ષ તેમની નિષ્ફળતા છુપાવવા માટે પત્રકારોને પ્રવેશ ન આપવા નિર્ણય કરે તેવી ચર્ચા ચાલી રહી છે.
જાે પત્રકારોને પ્રવેશ આપવામાં ન આવે તો તે લોકશાહીની હત્યા સમાન માનવામાં આવશે. વિધાનસભામાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પત્રકારોને પ્રવેશ આપવામાં આવ્યો છે તો મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં શા માટે નહિ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે માર્ચથી મે મહીના સુધી લોકડાઉનના કારણે મ્યુનિ. બોર્ડની મીટીંગ થઈ શકી ન હતી જુન મહીનામાં અનલોક જાહેર થયા બાદ પણ મેયરે પ૦ વ્યક્તિની મર્યાદાના કારણો દર્શાવી મીટીંગ બોલાવી ન હતી.
જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તથા પ૦ વ્યક્તિની મર્યાદામાં બોર્ડ બોલાવવા માંગણી કરી હતી તેમ છતાં મેયર ટસ ના મસ થયા ન હતા. વિધાનસભા સત્ર શરૂ થયા બાદ મેયરે બોર્ડ મીટીંગ બોલાવવા નિર્ણય કર્યો હતો.