ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી
નવી દિલ્હી: ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી ઉપરાંત ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ આગામી રવિવારે દુબઈ જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારીઓના ભાગરૂપે આ લોકો દુબઈ જશે. જ્યારે બાકીના મોટા ભાગના ખેલાડીઓ હાલમાં આઈપીએલની ૧૩મી સિઝનમાં રમવા માટે યુએઈમાં જ છે.
મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સોમવારે ટીમ સાથે જોડાશે. પૂજારા અને વિહારી ઉપરાંત બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર પણ દુબઈ જવાના છે.
નિયમોનું પાલન કરવું પડશે. તેમને દુબઈમાં છ દિવસ સુધી ક્વોરેન્ટિન રહેવું પડશે
આ તમામ લોકો યુએઈ પહોંચશે ત્યારે તેમણે આઈપીએલ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે. તેમને દુબઈમાં છ દિવસ સુધી ક્વોરેન્ટિન રહેવું પડશે અને નિયમિ રીતે કોરોના ટેસ્ટ કરાવવા પડશે. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની અને કેનબેરામાં ટેસ્ટ મેચ રમાશે. ભારતને ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને ચાર ટેસ્ટ રમવાની છે. જોકે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી પસંદગીકારો ટીમ જાહેર કરવા ઈચ્છતા નથી.
એક ક્રિકેટ વેબસાઈટના અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી પસંદગીકારો ટીમ જાહેર કરવા ઈચ્છતા નથી. જોકે, પસંદગીકારોએ સામાન્ય ચર્ચા કરી હોવાનું કહેવાય છે અને આગામી સપ્તાહે ટીમની પસંદગી કરવામાં આવી શકે છે. હાલમાં યુએઈમાં આઈપીએલની ૧૩મી સિઝન રમાઈ રહી છે અને તેમાં પૂજારા અને વિહારી સામેલ નથી.
બીસીસીઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા શિડ્યુલ જાહેર કરશે.
આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થશે. ભારતીય ટીમ ૩૦ સભ્યો સાથે ઓસ્ટ્રેલિયા જશે અને આ સિરીઝ બાયો-બબલમાં રમાઈ શકે છે. ૧૦ નવેમ્બરે આઈપીએલ પૂરી થશે. બીસીસીઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા શિડ્યુલ જાહેર કરશે.