Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ વિજયાદશમીના પાવન પર્વે પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું

આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ અને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા આપણે સક્ષમ બન્યા છીએ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે કહ્યું કે શસ્ત્રપૂજા પાછળની ભાવના અને આપણું લક્ષ્ય સમગ્ર ગુજરાત  સુરક્ષિત બને અને આતંકવાદીઓ, ગુંડાઓ, લુખ્ખા તત્વોનો નાશ થાય તે છે.  (Gujarat CM Vijay Rupani performed shashtrapooja on dashera at Gandhinagar)

તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સંદેશા વ્યવહાર, શસ્ત્રો વગેરેની અદ્યતન પ્રણાલીઓ વિકસાવી રહી છે.વર્તમાન કેન્દ્ર સરકાર પણ રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રોનો સેનામાં ઉમેરો કરી દેશની સ્વરક્ષણની તાકાત વધારી રહી છે. સમયની માંગ અનુસાર આધુનિક શસ્ત્રો ધારણ કરી સજ્જ રહેવું  અને યુદ્ધના નીતિ-નિયમોનું પાલન કરવું એ આપણો ધર્મ અને પૌરાણિક-સાંસ્કૃતિક પરંપરા રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શસ્ત્રોની પૂજા એ યાદ અપાવે છે કે શસ્ત્રોનો ઉપયોગ અત્યાચારીઓ સામે જ કરવાનો છે. શસ્ત્રનો ઉપયોગ આપણે નિર્દોષો ઉપર કરતા નથી. વિજય ત્યારે જ થાય જ્યારે યુદ્ધમાં શસ્ત્રો પાવરફૂલ હોય તથા જ્ઞાન-યુદ્ધમાં શાસ્ત્રો પાવરફૂલ હોય. યુદ્ધ માટે શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંનેની આવશ્યકતા છે. તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારમાં શસ્ત્ર પૂજનની પરંપરા વિષે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલી પરંપરા આ જ આજદિન સુધી ચાલુ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપણા ધર્મ ગ્રંથોમાં પણ શસ્ત્ર પૂજનનું મહત્વ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સંતાડેલા શસ્ત્રો બહાર કાઢીને સૌ પ્રથમ તેનું પૂજન કરેલું. રામાયણના યુદ્ધમાં પણ દરેક શસ્ત્રો પૂજન પછી તેના ઉપયોગ થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ  કહ્યું કે, ‘આસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય’ એ આપણુ લક્ષ્ય છે. રાજ્યના સલામતી દળો, આપણી પોલીસ અને આપણા સુરક્ષાકર્મીઓ આજના દિવસે શસ્ત્ર પૂજન દ્વારા વિજયની જીજીવિષા સાથે આવનારા પડકારો ઝીલીને આગળ વધે તેવા સંકલ્પની મુખ્યમંત્રીશ્રીએ પ્રેરણા આપી હતી.

તેમણે શસ્ત્રપૂજન કાર્યક્રમના આયોજન માટે મુખ્યમંત્રી સુરક્ષા દળને અભિનંદન પાઠવ્યા હતા.આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના સલામતિ પોલીસ અધિક્ષક તેમજ સુરક્ષા અધિકારીઓ અને કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.