પીરાણા બાયોમાઈનીંગ પ્રોજેક્ટ “પંચવર્ષીય યોજના” બને તેવા એંધાણ
મ્યુનિ.તિજાેરીને આર્થિક ફાયદો છતાં રાજકીય આંટીઘૂંટીમાં ટેન્ડર અટવાયુ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પંચવર્ષીય યોજના બની રહી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના કડક વલણ બાદ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરે માત્ર બે વર્ષમાં જ ડમ્પ-સાઈટ નિકાલના દાવા કર્યા હતા. પરંતુ આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તથા બાયોમાઈનીંગ પ્રક્રિયા શરૂ થયા બાદ માત્ર ૧૫ મહિનામાં જ ફરીથી ટેન્ડર જાહેર કરવાની ફરજ પડી છે. જેમાં અગાઉના ટેન્ડર કરતા અડધા ભાવ આવ્યા છે. સોલિડ વેસ્ટ ડાયરેક્ટરની અણઆવડતના કારણે માત્ર સવા વર્ષમાં જ તંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે નવા ટેન્ડરમાં મનપાની તિજાેરીને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ત્યારે તેની મંજૂરી રાજકીય આંટીઘૂંટીમાં અટવાઈ પડી છે. મ્યુનિ.ચૂંટણી પહેલાં રાજકીય કોન્ટ્રાક્ટરોને રાજી કરવામાં નહીં આવે ત્યાં સુધી નવા ટેન્ડરના વર્ક ઓર્ડર ઈશ્યુ થશે નહીં તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આકરા વલણના પગલે મ્યુનિ.કોર્પાેરેશને પીરાણા ડમ્પીંગ સાઈટના નિકાલ માટે વિચારણા શરૂ કરી હતી. તત્કાલીન મ્યુનિ.કમીશનરે બાયોમાઈનીંગ માટેની અનેક પદ્ધતિઓનો અભ્યાસ કર્યા બાદ ટ્રો-મીલ મશીન માટે નિર્ણય કર્યાે હતો તથા ટેન્ડર પ્રક્રિયા સહિતની તમામ જવાબદારી ખાતાના ડાયરેક્ટરને સોંપી હતી. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તે સમયે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં અંદાજિત ખર્ચ, મશીનની સંખ્યા, પેનલ્ટી સહિત કોઈ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. તેમ છતાં વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલ રૂા.૬.૪૦ લાખ પ્રતિમાસ ભાડાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમીટી ઠરાવમાં પણ મશીનની સંખ્યા સહિત કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો તથા માત્ર એક જ પાર્ટીએ ભરેલા ભાવના આધારે કોઈને પણ કોન્ટ્રાક્ટર આપવાની શરત મંજૂર કરાવવામાં વિભાગના ઉચ્ચ અધિકારી સફળ રહ્યા હતા.
પીરાણા ડમ્પ સાઈટ ખાતે જુલાઈ-૨૦૧૯માં ચાર ટ્રો-મીલ મશીન, પ્રતિમાસ રૂા.૬.૪૦ લાખના ભાડા તથા લાઈટબીલ કોર્પાેરેશન ભોગવે તે શરતથી મૂકવામાં આવ્યા હતા. ઓગસ્ટથી ડીસેમ્બર-૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન વધુ ૨૦ મશીન મૂકવામાં આવ્યા હતા. આ તમામ મશીન માત્ર એક જ વખત જાહેર કરવામાં આવેલા ટેન્ડર અને એક જ પાર્ટીએ આપેલા ભાવના આધારે મૂકવામાં આવ્યા હતા. જેમાં ભાણિયા-ભત્રીજાઓને સાચવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા હતા. જાન્યુઆરીથી માર્ચ-૨૦ સુધી વિભાગના વડાએ વધુ આઈ મશીનો મૂકવા વર્ક ઓર્ડર આપ્યો હતો.
આમ, એક જ પાર્ટીના ભાવના આધારે ૨૮ મશીન મૂકવામાં આવ્યા હતા. ટ્રો-મીલ મશીનની કિંમત રૂા.૩૦ લાખ છે. તેથી માત્ર પાંચ માસમાં મૂડી પરત મળતી હતી. ત્યારબાદ “વકરો તેટલો નફો” હતો. ખાનગી કોન્ટ્રાક્ટરોને કમાણી કરતા જાેઈ રાજકીય કોન્ટ્રાક્ટરોની પણ દાઢ સળવળતી હતી. તેમજ જુલાઈ-૨૦માં નવા ૧૧ મશીનના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તમામ રાજકીય કોન્ટ્રાક્ટરો હોવાની પણ ચર્ચા ચાલી હતી. તેના પડધા ગાંધીનગર સુધી પડ્યા હતા. જેના પગલે નવા ટેન્ડર જાહેર કરવામાં ફરજ પડી.
મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેન્ડરમાં ૩૦૦ મે.ટનના ટ્રો-મીલ મશીન માટે પ્રતિ માસ રૂા.૩.૨૧ લાખના ભાવ આવ્યા છે. મતલબ કે, અગાઉના ટેન્ડર કરતા અડધા ભાવ આવ્યા છે. જેને વિભાગ દ્વારા સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. પરંતુ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સદર દરખાસ્ત હેલ્થ કમીટી તરફ મોકલવામાં આવી છે. જે કમીટીએ કોઈપણ વિચાર કે ચર્ચા કર્યા વગર રૂા.૬.૪૦ લાખના ભાવની મંજૂરી આપી હતી. તે જ કમીટી રૂા.૩.૨૧ લાખના ભાવની મંજૂરી આપતા ડરી રહી છે. જેનું મુખ્ય કારણ રાજકીય આંટીઘૂટી છે. મ્યુનિ.તિજાેરીને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવા છતાં સ્ટેન્ડીંગ કમીટી એ હેલ્થ કમીટી પર આધાર રાખ્યો છે.
નવા ટેન્ડરમાં રાજકીય કોન્ટ્રાક્ટરો કપાયા (કે કાપ્યા?) હોવાથી હેલ્થ કમીટી દ્વારા “સહુનો વિકાસ”સૂત્રને સાર્થક કરવામાં નહીં આવે ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે નહિં. તેવી ચર્ચા ચાલી રહી છે. ટ્રો-મીલ મશીન માટે શરૂ થયેલ રાજ-રમતના કારણે મનપાની તિજાેરીને મશીન દીઠ માસિક રૂા.૩.૧૯ લાખનું નુકસાન થઈ રહ્યું છે. એક મહિનામાં જ ૩૯ મશીન પેટે રૂા.૧.૨૪ કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ, મ્યુનિ.કમીશનરને ખુશ કરવા માટે સોલિડ વેસ્ટ ડાયરેક્ટર દ્વારા પાંચ વર્ષમાં રૂા.૧૭૫ કરોડનો ફાયદો થશે તેવી વાતો વહેતી કરવામાં આવી રહ્યા છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
પરંતુ જૂના કોન્ટ્રાક્ટમાં થયેલ રૂા.૨૦ કરોડના નુકસાનની જવાબદારી લેવા તૈયાર નથી. જૂના ટેન્ડરમાં પૂર્વ કમીશનર પર દોષારોપણ થઈ રહ્યાં છે. જૂના અને નવા ટેન્ડરમાં કમીશનર બદલાયા છે પરંતુ ખાતાના ડાયરેક્ટરે પદે કોઈ બદલાવ આપ્યો નથી. તેવી જ રીતે પાંચ વર્ષના ફાયદાની ગણતરી થઈ રહી છે તેનો સીધો મતલબ એ થાય છે કે બાયોમાઈનીંગ પ્રોજેક્ટ પંચવર્ષીય યોજના બની રહ્યો છે.