કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો ધૂમ માલ છતાં ઊંચા ભાવની બૂમ
નવી દિલ્હી, દેશમાં કોઈ પણ ચીજવસ્તુની અછત હોય તો તેના ભાવ આસમાને પહોંચી જાય છે, એ વાત સમજાય તેવી છે. પરંતુ હજુ, જ્યારે કોલ્ડ સ્ટોરેજ બટાકાથી ભરેલાં પડ્યા છે, ત્યારે પણ બટાકાની કિંમત ૪૫ થી ૫૦ રુપિયા કિલો પહોંચી છે. આ હકીકત સામાન્ય સમજથી ઉપર છે, પરંતુ આ સ્થિતિએ ડિમાન્ડ સપ્લાયની થિયરી સામે પણ સવાલ પેદા કર્યા છે. આ સમયે દેશમાં બટાકાની કોઈ અછત નથી.
બટાકાના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશના ઉદ્યાન મુખ્યાલયના રેકોર્ડ અનુસાર હજુ રાજ્યના કોલ્ડ સ્ટોરેજમાં ૩૦.૫૬ લાખ ટન બટાકાનો જથ્થો લોક છે. એમાંથી ૮ લાખ ટન બટાકા બીજ માટે છે. અર્થાત હજુ પણ લગભગ ૨૨ લાખ ટન બટાકા ખુલ્લા બજાર માટે ઉપલબ્ધ છે. ઉત્તરપ્રદેશમાં બટાકાનો નવો પાક નવેમ્બરમાં આવશે, ત્યાં સુધી જૂના બટાકાની ફક્ત ૧૦ લાખ ટન ખપત રહેશ. આ વર્ષે દેશમાં બટાકાનું વિક્રમજનક ઉત્પાદન થયું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ વર્ષે ૨૯ જાન્યુઆરીએ ગુજરાતના ગાંધીનગરમાં આયોજીત ગ્લોબલ પોટેટો કોન્કલેવમાં જણાવ્યું હતું આ વર્ષે દેશમાં બટાકાની પેદાશ ૫૨.૫૨ મિલિયન ટન રહેવાનું અનુમાન છે. આ એક રેકોર્ડ છે. એમાંથી લગભગ ૬ મિલિયન ટન બટાકા બીજ માટે રાખવામાં આવે છે અને ૨.૮૦ મિલિયન ટન બટાકા જ પ્રોસેસિંગ થશે. લગભગ ૬ લાખ ટન બટાકાની નિકાસ પણ થાય છે. આ સમયે દેશમાં પ્રતિ વર્ષ ૩૭ મિલિયન ટન બટાકાની ખપત થશે. અર્થાત માંગથી ખૂબ વધારે બટાકા પેદા થયા છે. ટૂંકમાં, માર્કેટમાં જથ્થાબંધ બટાકા ઉપલબ્ધ છે છતાં બટાકાના ઊંચા ભાવ હોવાથી આખો ખેલ વચેટિયાઓનો હોવાની શંકા પ્રબળ બની રહી છે.SSS