ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ત્રણ લોકો ઝડપાયા
અમદાવાદ, બગાસું ખાતા પતાસું મળી ગયું હોવાની ઘટના આનંદ નગર પોલીસ સાથે બની છે. આનંદનગર પોલીસને એક ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં દરોડો કર્યો હતો. અહીં ત્રણ લોકો પાસેથી મોંઘી ૧૧ જેટલી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જોકે, પોલીસે આરોપી નીરવના મોબાઈલ ફોન તપાસતા તેમાંથી ક્રીપ્ટો કરન્સીના કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા હતા. આરોપી નીરવ ક્રિકેટ અને ફૂટબોલ મેચનો સટ્ટો રમતો હોવાનું ધ્યાને આવતા પોલીસે નીરવ સામે અન્ય એક ગુનો પણ દાખલ કર્યો હતો. આરોપી નીરવ સટ્ટા બજારમાં મોટું માથું ગણાતો હોવાથી સ્થાનિક પોલીસ કાચું ન કાપે કે વહીવટ ન કરી લે તે માટે ખુદ ડીસીપીએ ઉજાગરો કરવો પડ્યો હતો.
શહેરની આનંદનગર પોલીસને બાતમી મળી હતી કે રમાડા હોટેલ પાસે આવેલા એક બિલ્ડિંગમાં એક ઓફિસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ જે તે જગ્યાએ રેડ કરવા પહોંચી હતી. ત્યારે આ ઓફિસમાં ખુરશીઓ ગોઠવીને કેટલાક લોકો મોંઘીદાટ દારૂની બોટલ લઈને મહેફિલ માણી રહ્યા હતા. જે આધારે પોલીસે નીરવ હર્ષદભાઈ રાયચુરા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી તેનો મોબાઇલ ફોન તથા દારૂના ખરીદ વેચાણ તથા હેરાફેરીના શંકાસ્પદ મેસેજ મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા હતા.
એટલું જ નહીં આરોપી નીરવના ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીના શંકાસ્પદ ડેટા પણ મળી આવ્યા હતા. જ્યારે ઓફિસમાં અન્ય એક શખ્સ સંતોષની પણ પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. જ્યારે અન્ય વ્યક્તિ રાહુલ પુરબીયાની પણ દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ ઓફિસમાં બેસીને મોંઘીદાટ બોટલો રાખી દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે ઓફિસમાં તપાસ કરી તો પોલીસને આ ઓફિસમાંથી હજારો રૂપિયાની મોંઘીદાટ ૧૧ દારૂની બોટલ મળી આવી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ચિરાગ અને પરાગ નામના વ્યક્તિઓ પાસેથી દારૂની બોટલ ખરીદી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોવાનું પણ કહી શકાય છે. કારણ કે જ્યારે પોલીસે આરોપી નીરવના ફોન તપાસ્યા હતા ત્યારે તેમાંથી એક વેબસાઈટ મળી આવી હતી, જેમાં તેણે ક્રિકેટ તથા ફૂટબોલની રમત ઉપર જુગાર રમ્યો હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા.SSS