Western Times News

Gujarati News

“ગ્રીન ગુજરાત – ક્લીન ગુજરાત’’ અને ‘’એક બાળ-એક ઝાડનો સંકલ્પ સાકાર કરીએ.”

ચાલો આપણે સૌ વનમહોત્સવને જન મહોત્સવ બનાવીએ. અમદાવાદને ખરા અર્થમાં ‘ગ્રીન અમદાવાદ’ બનાવીએ.

ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજજીવન અને વૃક્ષો વચ્ચેનો નાતો અતૂટ જોવા મળે છે. આપણાં પૂર્વજોનો વસવાટ અને વ્યવસાય હંમેશા જંગલોમાં અને વૃક્ષોના સાનિધ્યમાં રહેતો હતો. તે સમયના આપણા ઋષિમુનિઓએ તે વૃક્ષો-વેલાઓનો અભ્યાસ કરીને તેનો માનવજીવનની તંદુરસ્તી માટે કેવી રીતે ઉપયોગ કરવો તેનું ચિંતન કરીને તેને ચિકિત્સાશાસ્ત્રોમાં સ્થાન અપાવ્યું છે.

આજના વૈજ્ઞાનિક યુગમાં એલોપથીક તેમજ બાયોકેમિકલ દવાઓના પ્રચંડ વેગ વચ્ચે પણ આપણુ પૌરાણિક આયુર્વેદ આજે પણ અગ્રેસર રહ્યું છે જેનો શ્રેય આપણા પૂર્વજોએ સંશોધિત કરેલી આ જડીબુટ્ટીઓના જ્ઞાનને જાય છે.

વૃક્ષોથી આવી માનવીય સંવેદનાસભર અસર થવા પામે છે તેવું વૈજ્ઞાનિક ધોરણે સાબિત થઈ રહ્યું છે આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં બતાવ્યું છે કે ગ્રહ – નક્ષત્ર સાથે તેનું એક આરાધ્ય વૃક્ષ સંકળાયેલું હોય છે અને આ ત્રણેયને ધ્યાનમાં રાખીને જો વૃક્ષોનું વાવેતર અને વન સંરક્ષણ કરવામાં આવે તો તેની માનવજીવન ઉપર ખૂબ સકારાત્મક અસરો થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સંરક્ષિત કરાયેલા વનોને આપણે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખ આપી છે. જેમાં નવગ્રહ વન, નક્ષત્ર વન,રાશિવન, પંચવટી, તીર્થંકર વન, સપ્તર્ષિ વન, શ્રીપર્ણી વન, આરોગ્ય વન, રક્ષિત વન જેવા અનેક વનો ગુજરાત સરકાર દ્વારા અનેક જીલ્લાઓમાં બનાવવામાં આવ્યા છે.

જેનો હેતુ એ છે કે વધુમાં વધુ લોકોને ઔષધીય વૃક્ષોથી માહિતગાર કરવા. વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા લોકોને પ્રેરણા આપવી. રાજ્ય સરકારનો ઉમદા ઉદ્દેશ છે કે વનો થકી જે તે જિલ્લાના ત્યાંના સ્થળોનો ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી વેગ આપવો અને સ્થાનિક કક્ષાએ રોજગારીનું સર્જન કરવું. જેના ભાગરૂપે ગુજરાત સરકારે ત્તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટીથી વર્ષ ૨૦૦૪થી વન મહોત્સવ શરૂ કરીને નવો અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધીમા અનેક જીલ્લાઓમાં  વન મહોત્સવ થકી અનેક વનોની રચના થઇ ચૂકી છે. રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે ચોમાસામાં વધારે વ્રુક્ષો વાવવા માટે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આખા ગુજરાતમાં ગ્રીન કવર અને હરિયાળી વધે એ માટે રાજ્યમા આગામી ૭૦માં વન મહોત્સવ અંતર્ગત ૧૦ કરોડ રોપાઓનું  વાવેતર અને વિતરણ પણ કરવામાં આવનાર છે. જેટ્લા વૃક્ષો કપાય તેની સામે બે ગણા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.

જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૯માં ઉજવાય રહ્યો છે રાજ્યનો ૭૦મો વન મહોત્સવ. જેની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના ઓઢવના જડેશ્વરમાં યોજાવાની છે .જે વનનું નિર્માણ થયું તેને ‘ જડેશ્વર વન ‘ નામ આપવામાં આવ્યું છે ૮.૫૫ હેકટરમાં ફેલાયેલ આ જડેશ્વર વન એ અમદાવાદ જીલ્લાનું સૌ પ્રથમ સાંસ્કૃતિક વન છે. જેમાં પ્રવેશ કરતાં જ વનનો  Information Map જોવા મળશે. સાથે સુંદર મજાના ફૂલોથી સુશોભિત બગીચા, વી.આઇ.પી.પ્લાન્ટેશન, સુંદર તળાવ, ઓપન થીયેટર, દોડવા તેમજ ચાલવા માટેના અલગ ટ્રેક, ઓપન જીમ, નાના ભુલકાઓ માટેના રમતના સાધનો,ધ્યાન કરવા માટેની સુંદર વ્યવસ્થા, યોગા કેન્દ્ર, જુલતો પુલ, જેવી અનેક સુવિધાઓ જાહેર જનતાને અર્પણ થવાની છે. તૈયાર કરાયેલા આ વનમાં વૃક્ષો,રાશિ-નક્ષત્ર પર આધારિત અનેક વૃક્ષોનું  વાવેતર કરવામાં આવ્યું છે.

વૃક્ષો પ્રત્યેની આપણી સંવેદના તેને બચાવીને તેને નવજીવન પ્રદાન કરવાનો આ મહામૂલો અવસર છે. સાંપડેલા આ અમૂલ્ય વારસાનું આપણે સૌ સાથે મળીને સરકાર સાથે સહભાગી બનીને જતન કરીએ અને આપણી સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેની ફરજ અદા કરીએ એ સંકલ્પ લઈને આપણી શક્તિ મુજબ છોડની રોપણી કરીને ગુજરાતને નંદનવન અને હરિયાળું બનાવવાનો આપણે સૌ મકકમ સંકલ્પ લઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.