માનવીએ જીવનને મંગલમય બનાવવા સ્વાર્થી મટીને પરમાર્થી બનવું જાેઈએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Heart-scaled.jpg)
સંયુકતમાંથી વિભક્ત કુટુંબ થવામાં સ્વાર્થવૃતિ રહેલી છે
સ્વઅર્થ માટે કરેલી ક્રિયામાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ એ જ સ્વાર્થવૃત્તિ. સ્વાર્થવૃત્તિમાં રાચતો માનવી જિંદગીમાં ગમે ત્યારે ઉપરથી નીચે પટકાય છે ત્યારે તેની આંખ ખૂલે છે. ડગલે-પગલે પોતાના જ ફાયદાની ગણતરી કરવામાં એ સ્વાર્થી માનવી બીજા લોકોની સહાનુભૂતિ ગુમાવી દે છે. મોહમાયાથી જ સ્વાર્થવૃત્તિ અહમને પોષે છે. માનવી સ્વાર્થ ખાતર એકલપટો અને અતડો બનતો જાય છે. ‘હું’ ‘મારું’ ‘અમારું’ અને ‘મારું કુટુંબ’ ના ગાન ગાતો ગાતો પોતે બધુ મેળવવા સંસારમાં ફાંફા મારતો મારતો અટવાઈ જાય છે. સ્વાર્થને કારણે જ દુનિયા, દેશો, રાજયો, સમાજ, સંઘ અને સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે. સ્વાર્થલોલૂપ, લાલચૂ અને ધનલોભી વર્ગ બીજા તરે તે ઈચ્છતો નથી પરંતુ બીજા ડૂબે એમાં તેઓ રાજી થાય છે.
હાલના કળિયુગમાં કોઈક માનવીમાં સ્વાર્થવૃત્તિ થોડી અથવા કોઈક માનવીમાં વધુ અંશમાં રહેલી હોય છે પણ દરેક માનવીના સ્વભાવમાં ભળી ગઈ હોય છે. નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધજનોને જાેઈએ તો દરેક માનવી આ વૃત્તિમાં રાચતો હોય છે. સંસારમાં હોય કે સંસારનો ત્યાગ કરેલી વ્યક્તિ હોય તો તે વ્યક્તિઓ પણ થોડ ેકે વધુ અંશથી આ વૃત્તિથી પીડાતી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ એ પણ આ સ્વાર્થવૃત્તિનો શિકાર બનવામાં બાકી રહેતો નથી.
બાળપણના સંસ્કારથી ગણો કે પૂર્વજીવનના કર્મોથી અથવા બીજા મતલબી માણસોની સોબતથી હોય કે જીવનસાથીના સહવાસથી હોય કે પડોશી જાેડે વ્યવહાર કરતા કરતા માનવી આ વૃત્તિનો શિકાર બની જતો હોય છે. અમુક બાળકો બીજા બાળકોના હાથમાં રહેલા રંગબેરંગી ફુગ્ગા કે રમકડાં છીનવીને જ જંપે છે અને તે ન મળે તો રોક્કળ કરી મૂકે છે અને તે મેળવવા પ્રયત્ન કરે છે. મારી પાસે નથી અને એની પાસે છે તેથી તે મેળવવા તે વૃત્તિથી જ આવું કરવા પ્રેરાય છે.
બાળકો નિર્દોષ હોય છે પરંતુ મા-બાપ કે વડીલોએ તે જિદ્દી બાળકોને મન મોટું રાખવા બાળપણથી જ શીખવવું જાેઈએ. મા-બાપે બાળકને ઉદારવૃત્તિની સમજ આપવું જાેઈએ. આવા બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશતાં જ સ્વાર્થવૃત્તિમાં ઉમેરો થતા સ્વાર્થીલો બની જાય છે.
બાળપણમાં થતી બાળહઠ કે જિદ્દીપણું ગણો પણ તે કિશોરાવસ્થામાં સ્વાર્થીપણાને પોેષે છે. પુખ્તવયમાં પ્રવેશ થતાં જ દરેક વ્યવહારમાં આ સ્વાર્થવૃત્તિ વણાઈ જાય છે જે ધીરે ધીરે સામાજિક વ્યવહાર ગણો કે વેપારમાં ગણો પોતાનો લાભ લેતો થઈ જાય છે. પોતાનો લાભ ખાટવા બીજાનું પારાવાર નુકશાન કરતા પણ સ્વાર્થી માણસી અચકાતો નથી. પોતાના એક પૈસાનું પણ નુકશાન ન થવું જાેઈએ પછી ભલેને બીજાના સૌ રૂપિયાનું નુકશાન થતું હોય.
એક જ મા-બાપના દીકરાઓના સ્વભાવમાં પણ ફરક હોઈ શકે છે. એક ભાઈમાં દયાભાવ હોય તો બીજાે ભાઈ સ્વાર્થવૃત્તિમાં રાચતો હોય છે. આ જ સ્વાર્થવૃત્તિ ભાઈ ભાઈમાં ખટરાગ પેદા કરે છે તથા ઘરમાં કોઈક વખત મહાભારત પણ રચાઈ જાય છે. આ વૃત્તિથી ઈષ્ર્યાનો જન્મ થતાં કુટુંબમાં કજિયા, કંકાસ કે કકળાટનો વાસ રહેવાનો જ. હાલના યુગમાં સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થવામાં સ્વાર્થવૃત્તિ ઘણો મોટો ભાગ ભજવે છે.
હાલમાં લોકોને વસ્તુ પોતાની જ હોવી જાેઈએ. તથા બીજા પાસેથી પણ પોતે યુક્તિથી મેળવવા પ્રયત્ન કરતો હોય છે અને માનવીને છેવટે પસ્તાવાનો જ વારો આવે છે. સ્વભાવમાં ફરક પડવાથી ભાઈ ભાઈમાં ભાઈ-ભાભી, નણંદ- ભોજાઈ કે સાસુ-વહુમાં કંકાસ થવામાં સ્વાર્થવૃતિ રૂપી દાનવ જ લડાઈ કરાવે છે. નાની નાની વસ્તુઓમાંથી મોટું સ્વરૂપ અપાઈ જાય છે. તથા રજનુું ગજ થવામાં બાકી રહેતું નથી. હવે આપણા વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં પણ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થતા કુટુંબીજનોમાં સ્નેહ-લાગણી એકબીજા માટે ઓછી થતી દેખાય છે.
જે હાથમાં છે એને ભૂલી જવું, જે બીજા પાસે છે એને સતત યાદ રાખવું. આ માન્યતા જ સુખના સમયમાં પણ માણસને સતત દુઃખમાં રાખે છે. સ્વાર્થ સાધવામાં તો કેવળ અધમતાને પશુતા જ છે. હાલમાં શાલીભદ્ર શ્રાવક જેવા ત્યાગીની ઘણી જરૂર છે.
જે માનવી સ્વાર્થવૃત્તિમાં જ ડૂબેલો હોય તે પોતે માનસિક રીતે હંમેશા પીડાતો જ રહે છે. એ માનવી કાવાદાવા કરવામાં જ રચ્યોપચ્યો જ રહે છે. પોતાનો લાભ ખાટવા ક્યા ક્યા નવા ખેલો ખેલવા તેમાં જ પોતાની જિંદગી વિતાવી દે છે અને છેવટે મરણપથારીએ અફસોસ વ્યકત કરતો હોય છે આ આખું જગત સ્વાર્થી છે. સહુ કોઈ સ્વાર્થ દ્રષ્ટિથી વર્તતા માલુમ પડે છે.
પોતે સ્વાર્થી બનેતો આખું જગત સ્વાર્થી દેખાય છે. પરંતુ પોતે જાે નિસ્વાર્થી વ્યવહાર શરૂ કરશે તો તેના પ્રમાણમાં પોતાના સગાંવ્હાલાં પણ પોતાની સાથે નિસ્વાર્થી વર્તન કરશે જ. જેવું કરો તેવું પામો. કોઈપણ સ્વાર્થ વગર બીજા માટે કંઈક પણ સારું કરી છૂટે તે વ્યક્તિ પરમાર્થી કહેવાય છે. પરોપકાર કરવાથી માનવીને પોતાને કંઈક સારું કર્યાનો આનંદ તથા આત્મસંતોષ પણ મળે છે.
પરમાર્થી બનવું તે તો માનવીની સદ્ભાવના જ ગણાય છે. પરમાર્થી માનવી સ્વભાવે સરળ તથા શાંત પ્રકૃત્તિનો હોય છે. સાથે તે પોતે સ્તકર્મો કરવાથી પોતાના પુણ્યમાં વધારો કરતો રહે છે. કોઈની તકલીફમાં મદદરૂપ બની રહેતા સમેવાળી વ્યક્તિની તેને દુઆ મળે છે.
પરમાર્થી બનીને જીવ જાણ, બની જાશે તું લોક માનીતો માનવીએ પોતાના જીવનને મંગળમય બનાવવા માટે સ્વાર્થી મટી પરમાર્થી બનવું જાેઈએ.