ડો. એ. કે. પટેલ પૂર્વ કેન્દ્ર મંત્રી, પૂર્વ સાંસદ (મહેસાણા)ની કેશુબાપાને શ્રધ્ધાંજલિ
ડો. એ. કે. પટેલ પૂર્વ કેન્દ્ર મંત્રી, પૂર્વ સાંસદ (મહેસાણા) એ જણાવ્યું હતું કે, મારા આત્મીય મિત્ર અને રાજકીય ગુરૂ એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની ઓચિંતી વિદાયે આંખમાં આંસુ અને મનમાં શૂન્યતા છે.
આ પળે સ્વજનસમ કેશુભાઈની કેટ કેટલી સ્મૃતિઓ મનમાં ઉભરાઈ આવે છે, મન કબૂલવા તૈયાર નથી કે સરળતા, સહજતા અને વિદ્વતાની મૂર્તિ સમા કેશુભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યાં.
જે આત્મીયતાથી, લાગણીથી તેમણે વાતો કરેલી તે આજે મીઠી યાદો બની રહી ગઈ છે, તેમના હોવાથી મને હંમેશા હૂંફ મળી છે. તેમની રાજકીય સૂઝ તો ખરી જ પણ એક પ્રેમાળ માણસ તરીકેનો, એક કોઠા સૂઝ ધરાવતા ધૈર્યવાન માણસ તરીકેનો પરિચય પણ ન ભૂલી શકાય તેવો છે.
તેમની સાથે વિતાવેલો વર્ષોનો સમય મીઠી યાદ બની અમારી આંખની ભીનાશમાં હંમેશા રહેશે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે અને પરિવારને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.