મહિલા સશકિતકરણ પખવાડીયું-૨૦૧૯: કામરેજ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંગે બેટી બચાવો કાર્યક્રમ યોજાયો
સુરત, રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલાઓ જાગૃત અને સશક્ત બને તે આશયથી મહિલા સશકિતકરણ પખવાડીયાની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસ કામરેજ દ્વારા વિશ્વભારતી ઇન્ટરનેશનલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ‘બેટી બચાવો’ કાર્યકમ યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.એન.ભાટીના વડપણ હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડો.એમ.એન.ભાટીએ સ્ત્રી સશકિતકરણ અંગે માહિતી આપી સમાજમાં સ્ત્રીઓનો દરજજો, ખોટી સામાજિક માન્યતાઓ, પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્ત્રી સશકિતકરણ માટે આપણે સૌ કઇ રીતે મદદરૂપ થઇ શકીએ તે અંગે બહેનો પાસેથી અભિપ્રાયો માંગી મહિલાઓ સમાજનું અભિન્ન અંગ છે એમ ઉમેર્યું હતું.
આઇ.ઇ.સી.ઓફિસર મુકેશભાઇ ભટ્ટ તેમજ બ્લોક હેલ્થ વિઝીટર ગંગાબેન રોહિતે સપ્તધારા અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ વિષય પર પપેટ શો દ્વારા માહિતી આપી હતી. આ વેળાએ ‘બેટી બચાવો’ના પોસ્ટરોનું સુંદર પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે વલણ પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો. સુધીર સિંહા, તાલુકાનાં તમામ મેડીકલ ઓફિસરો, સુપરવાઇઝરો તથા હેલ્થ ઓફિસ, કામરેજનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.