હોસ્પિ. સ્ટાફની માગ વધતા પગારમાં ૫૦ ટકાનો વધારો
અમદાવાદ: કોરોના અને લોકડાઉનને કારણે એક તરફ ઘણા લોકોના નોકરી-ધંધા ચોપટ થઈ ગયા છે, ત્યારે બીજી તરફ હેલ્થકેર ક્ષેત્રમાં કાર્યરત લોકોના પગારમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે. એટલું જ નહીં, હોસ્પિટલોમાં મોટી માત્રામાં ભરતી પણ કરાઈ રહી છે. કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રમાં જોબ કટ લગભગ ઝીરો છે. પ્રાઈવેટ સેક્ટરમાં આ સમયમાં મોટાભાગના લોકોના પગાર કપાયા છે,
ત્યારે મેડિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પગારમાં ક્યારેય ના મળ્યો હોય તેટલો ૫૦ ટકા જેવો જંગી વધારો મળ્યો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ક્રિટિકલ કેર, ઈન્ટરનલ મેડિસિન અને ફેફસાના નિષ્ણાંત ડૉક્ટરની માંગમાં મોટો વધારો થયો છે.
આ ઉપરાંત, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની શોર્ટ ટર્મ ડિમાન્ડ પણ વધી છે. શેલ્બી હોસ્પિટલ્સના ચીફ એચઆર ઓફિસર બાબુ થોમસ જણાવે છે કે, તેમની તેમજ અન્ય હોસ્પિટલોમાં કોવિડની કામગીરી સાથે સંકળાયેલા મેડિકલ સ્ટાફને હાલ ૧૫૦ ટકા સેલેરી મળી રહી છે. કોવિડ કેર પ્રોફેશનલ્સને કોરોનાની ડ્યૂટી વચ્ચે ક્વોરન્ટાઈન પિરિયડમાં કુલિંગ ઓફ ડેઝની પણ ચૂકવણી કરાય છે.
જોકે, શરુઆતમાં ઘણા કર્મચારીઓ પરિવારનું દબાણ છે તેમ કહીને કોરોનાની હોસ્પિટલ આવવાનું જ ટાળતા હતા. તેવામાં તેમને સલામતી તેમજ જે જોઈએ તે સુવિધા મળી જશે તેવી ખાતરી કરાવવાનું કામ મુશ્કેલ હતું. એચસીજી હોસ્પિટલના સીઓઓ બ્રિજસિંહ ચૌધરીના જણાવ્યા અનુસાર, તેમની હોસ્પિટલમાં કોરોના વોર્ડ માટે ૩૦ લોકોને નોકકરી પર રખાયા છે, અને હોસ્પિટલના ૬૦ ટકા સ્ટાફને સામાન્ય કરતા ૫૦ ટકા વધુ પગાર ચૂકવાય છે.