પત્નીને ગુસ્સો આવતા પતિના માથામાં સાણસી મારી દીધી
અમદાવાદ: સામાન્ય કિસ્સામાં પતિ-પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું હશે. પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ઝઘડામાં તેની જ પત્નીએ હાથના અંગૂઠામાં બચકું ભરીને માથામાં સાણસી મારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પતિએ ‘આજે કઈ હોટલમાં જમવા ગઈ હતી? એવું પૂછતા જ પત્નીએ આવેશમાં આવીને પતિને માર માર્યો હતો અને અંગુઠા પર બચકું ભરી લીધું હતું. નરોડા વિસ્તારમાં એક ફ્લેટમાં ૩૪ વર્ષીય યુવક તેની પત્ની અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડા પર રહે છે. તેઓ જમીન દલાલીનું કામકાજ કરે છે. ગુરુવારે રાતે ૧૧ વાગ્યે યુવક ઘરે આવ્યો હતો અને પત્ની અને બાળક સાથે જમવા બેઠો હતો.
આ દરમિયાન પતિએ તેની પત્નીને પૂછ્યું હતું કે, આજે તું કંઈ હોટલમાં જમવા ગઈ હતી? પતિની આવી વાતથી તેની પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બોલાચાલી કરીને ગાળાગાળી કરવા લાગી હતી. એટલું જ નહીં પતિ સાથે ઝઘડો કરીને તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને પતિના ડાબા હાથે બચકું ભરી લીધું હતું.
પતિએ તેને ધક્કો મારી દૂર કરતાં પત્ની રસોડામાં જઈને સાણસી લાવી હતી અને પતિના માથામાં મારી દીધી હતી. સાણસીના પ્રહાર બાદ પતિના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જે બાદમાં તેના પતિને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સારવાર બાદ રજા અપાયા બાદ પતિ તેની પત્ની સામે ફરિયાદ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મામલે યુવકની પત્ની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.