Western Times News

Gujarati News

લોટરી સિસ્ટમ બંધ થશે તો H-1B વિઝા મુશ્કેલ બનશે

બેંગલુરુ: ભારતીયોમાં લોકપ્રિય એવા એચ-૧બી વિઝાની ફાળવણી કરવાની સિસ્ટમમાં અમેરિકાએ ધરમૂળથી ફેરફાર કરવાનો ર્નિણય લીધો છે. અત્યારસુધી આ વિઝા લોટરી સિસ્ટમથી આપવામાં આવતા હતા, જેના બદલે હવે પગાર ધોરણ અનુસાર તેની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઈ છે. જો એચ-૧બી આપવાની આ નવી સિસ્ટમ અમલમાં આવી ગઈ તો તેનાથી ભારતીય આઈટી એન્જિનિયર્સને મોટો ફટકો પડશે તેમ જાણકારોનું માનવું છે.

તેમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કાર્યરત ભારતીય આઈટી કંપનીઓના કર્મચારીઓ આ વિઝા પર યુએસ જતા હોય છે. જો તેને પગારધોરણ સાથે સાંકળી લેવાયા તો કંપનીઓનો ખર્ચો ખૂબ વધી જશે. છેલ્લા ચાર વર્ષથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-૧બી વિઝા પર અમેરિકા આવતા બહારના લોકોને કારણે અમેરિકનોને મળતી નોકરીની તકોમાં ઘટાડો ના થાય તે માટે તેના પર નિયંત્રણ મૂકી રહ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું માનવું છે કે પગારધોરણના આધારે વિઝા આપવાની પ્રક્રિયા લોટરી સિસ્ટમ કરતા વધુ યોગ્ય છે.

જો આ સિસ્ટમ લાગુ પડી ગઈ તો કંપનીઓને કર્મચારીઓને વધારે પગાર આપવા પડશે કે પછી હાયર સ્કીલ ધરાવતા કર્મચારી માટે પિટિશન કરવી પડશે. આમ, નવી સિસ્ટમમાં કંપનીઓ ઓછા પગારથી એચ-૧બી વિઝા પર આવનારાને નોકરીએ નહીં રાખી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટીના ડેપ્યુટી સેક્રેટરી કેન ક્યુસિનેલ્લીના જણાવ્યા અનુસાર, આ દરખાસ્ત દ્વારા ટ્રમ્પ સરકારે અમેરિકનોને પ્રાથમિકતા આપવાનું પોતાનું વધુ એક વચન નીભાવ્યું છે.

એચ-૧બી પ્રોગ્રામ અમેરિકન નોકરીદાતા કે અને તેમના અમેરિકન ક્લાયન્ટ્‌સ દ્વારા દુરુપયોગ કરાતો હતો, જેમાં તેઓ ઓછા પગારમાં વિદેશમાંથી કર્મચારીઓને બોલાવી લેતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, એચ-૧બી વિઝાને લોટરી સિસ્ટમ પર આપવાને કારણે દુનિયાના બેસ્ટ અને ટેલેન્ટેડ લોકોને અમેરિકા આવવાનો મોકો નથી મળતો, અને ઓછા પગારમાં કામ કરતા વિદેશીઓને કારણે અમેરિકનોને તે નોકરી નથી મળી શકતી. જો આ નિયમ લાગુ પડી ગયો તો ભારતીય આઈટી કંપનીઓ ઉચ્ચ પગાર મેળવતા પોતાના કર્મચારીઓને જ અમેરિકા લઈ જઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.