અંતે મધ્યસ્થતા ફ્લોપ : અયોધ્યા મામલે છટ્ઠીથી દરરોજ સુનાવણી
નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી ઓગષ્ટથી ખુલ્લી અદાલતમાં દરરોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. પેનલનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ કર્યો છે. મધ્યસ્થતા પેનલમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કલીફુલ્લા, અાધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ હતા. મધ્યસ્થતાના આ પ્રયાસ કુલ ૧૫૫ દિવસ સુધી ચાલ્યા હતા.
કોર્ટે હવે અનુવાદ સહિત તમામ જરૂરી દસ્તાવેજા તૈયાર કરી લેવા માટેનો રજિસ્ટ્રીને આદેશ કર્યો છે. દરરોજ થનાર સુનાવણી વેળા કોઇ અડચણો ન આવે તે માટે આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. ચીજ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે મધ્યસ્થતા પેનલ સમાધાન શોધી કાઢવામાં સફળ રહી નથી. હવે કોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવનાર છે. આનાથી એક બાબત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે તમામ પક્ષોની દલીલો વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવનાર છે.
સીજેઆઇ નિવૃત થાય તે પહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. પાંચ જજની બંધારણી પીઠમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. આજે સુપ્રીમ કોર્ટની બહાર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યુ હતુ કે તેઓએ પહેલાથી જ માંગ કરી હતી કે આ મામલાને મધ્યસ્થતા મારફતે ઉકેલી શકાય તેમ નથી. તેમણે કહ્યુ હતુ કે હવે મામલામાં દરરોજ સુનાવણી થશે. જૈને કહ્યુ હતુ કે આજે તમામ માટે ખુશીનો દિવસ છે. હવે ઝડપથી સુનાવણી કરવામાં આવનાર છે.
નિર્ણય અથવા તો ચુકાદો ૯૦ દિવસના ગાળામાં આવી શકે છે. આ પહેલા ૧૮મી જુલાઈના દિવસે સમિતિએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. અગાઉ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો હતો જેના ભાગરુપે ગઇકાલે ગુરૂવારના દિવસે મધ્યસ્થતા પેનલે તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય પર તમામની નજર કેન્દ્રિત હતી.
તે પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૧મી જુલાઈના દિવસે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૧મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી કરી હતી. એ દિવસે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થતાને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે.
મધ્યસ્થતાના પ્રયાસો પહેલા પણ થયા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જા કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજા વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ છે.
અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.