રજવાડાંને એક કરીને, દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને, સરદાર પટેલે હિન્દુસ્તાનને વર્તમાન સ્વરૂપ આપ્યું
ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ahmedabad, આપણે સૌએ હાલમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈની દૂરંદેશી સભર વાણીનો પ્રસાદ સ્વરૂપે લાભ લીધો. મારી વાત કરતાં પહેલાં હું તમારા સૌની પાસે ભારત માતાનો જય ઘોષ કરાવીશ અને મારો આપ સૌને આગ્રહ છે,
ગણવેશ પહેરેલા જવાનોને પણ મારો આગ્રહ છે કે દૂર-દૂર પર્વતો પર બેઠેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને પણ આગ્રહ છે કે એક હાથ ઉંચો કરીને પૂરી તાકાતથી સરદાર સાહેબનુ સ્મરણ કરતાં ‘ભારત માતાની જય’નો નારો લગાવીશું. હું ત્રણ વાર નારો લગાવીશ.
પોલીસ દળના વીર દિકરા દીકરીઓના નામે, ભારત માતાની જય, કોરોનાના સમયમાં સેવા પૂરી પાડનારા કોરોના વૉરિયર્સને નામે ભારત માતાની જય, આત્મનિર્ભરતાનો મંત્ર સિધ્ધ કરવામાં લાગેલા કરોડો કરોડો લોકોના નામે ભારત માતાની જય, હું કહીશ કે સરદાર પટેલ, તમે બે વાર બોલશો – અમર રહો, અમર રહો, સરદાર પટેલ, અમર રહો- અમર રહો, સરદાર પટેલ, અમર રહો- અમર રહો.
તમામ દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દેશનાં સેંકડો રજવાડાંને, રાજા –રજવાડાંને એક કરીને, દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને, સરદાર પટેલે હિન્દુસ્તાનને વર્તમાન સ્વરૂપ આપ્યું.
વર્ષ 2014માં આપણે સૌએ તેમના જન્મ દિવસને ભારતની એકતાના પર્વ તરીકે મનાવવાની શરૂઆત કરી હતી. આ 6 વર્ષમાં દેશે ગામડે ગામથી મહાનગરો સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી, તમામ લોકોએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂર્ણ કરવા માટેનો પ્રયાસ કર્યો છે.
આજે વધુ એક વાર આ દેશની મા ભારતીના સપૂતને, દેશના લોખંડી પુરૂષને, શ્રધ્ધા સુમન અર્પણ કરી રહ્યો છું. આજે વધુ એક વાર સરદાર પટેલની આ ગગન ચુંબી પ્રતિમાના સાનિધ્યમાં, તેમની છાયામાં દેશની પ્રગતિના મહાયજ્ઞના મારા વચનનુ પુનરાવર્તન કરૂ છું. સાથીઓ હું કાલે બપોરે કેવડિયા પહોંચી ગયો હતો.
અનેકેવડિયા પહોંચ્યા પછી ગઈ કાલથી શરૂ કરીને અત્યાર સુધી કેવડિયામાં જંગલ સફારી પાર્ક, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને આરોગ્ય વન જેવા અનેક સ્થળોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
ખૂબ ટૂકા સમય ગાળામાં, સરદાર સરોવર બંધની સાથે જોડાયેલા આ ભવ્ય નિર્માણ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનુ, નૂતન ભારતની પ્રગતિનુ આ સ્થળ તીર્થ સ્થાન બની ગયુ છે. આવનારા સમયમાં મા નર્મદાના કાંઠે, માત્ર ભારત જ નહી સમગ્ર દુનિયાના પ્રવાસન નકશા ઉપર આ સ્થળ સ્થાન પામનાર છે, છવાઈ જનાર છે.
આજે સરદાર સરોવરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સી-પ્લેન સેવાનો શુભારંભ થવાનો છે. આ દેશની પહેલી અને સ્વયં અનોખી એવી એક વિમાન સેવા છે. સરદાર સાહેબના દર્શન માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે, દેશવાસીઓને હવે સી-પ્લેન સર્વિસનો વિકલ્પ પણ પ્રાપ્ત થવાનો છે.
આ તમામ પ્રયાસોથી આ વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિનો પણ ઘણો વિકાસ થવાનો છે. તેનાથી અહીંના લોકો, અને ખાસ કરીને મારા આદિવાસી ભાઈ-બહેનોને પણ રોજગારીની નવી તકો પ્રાપ્ત થવાની છે. આ તકો પ્રાપ્ત કરવા બદલ પણ હું ગુજરાત સરકારને, ગુજરાતના તમામ નાગરીકોને તથા 130 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવુ છું.
સાથીઓ, કાલે જ્યારે હું આ વિસ્તારમાં સમગ્ર દિવસ વિતાવી રહ્યો હતો ત્યારે અહીં ગાઈડ તરીકે મને આસપાસનાં ગામડાંની આપણી દિકરીઓ જે આત્મવિશ્વાસ સાથે, જે ઉંડાણની સાથે, તમામ સવાલોની જાણકારી મારફતે ત્વરિત જવાબ આપીને મને ગાઈડ કરી રહી હતી તે જોઈને, તમને હું સાચું કહું તો મારુ મસ્તક ગર્વથી ઉંચુ થઈ ગયુ હતું.
મારા દેશના ગામડાની આદિવાસી બહેનો આ સમર્થતા, તેમની આ ક્ષમતા, પ્રભાવિત કરનારી બની રહી હતી. હું આ તમામ બાળકોને આટલા ઓછા સમયમાં જે નિપુણતા હાંસલ કરી છે અને તેમાં નવતર પ્રકારે નિપુણતાને જોડી છે, પ્રોફેશનાલિઝમનો ઉમેરો કર્યો છે, તેમને આદિવાસી દિકરીઓને પણ પણ હું હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું.
સાથીઓ, એ પણ એક અદભૂત સંયોગ છે કે આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે. આજે આપણે ભારતની જે સાંસ્કૃતિક એકતાનાં દર્શન કરીએ છીએ, જે ભારતનો અનુભવ કરી રહ્યા છીએ તેને જીવંત અને ઉર્જાવાન બનાવવાનુ કામ સદીઓ પહેલાં મહર્ષિ વાલ્મીકીએ જ કર્યુ હતું.
ભગવાન રામના આદર્શ, ભગવાન રામના સંસ્કાર જો આજે ભારતના ખૂણે ખૂણામાં એક બીજાને જોડી રહ્યા છે તો તેનો ખૂબ મોટો યશ મહર્ષિ વાલ્મિકીને મળે છે. માતૃભૂમિને સૌથી સર્વોચ્ચ માનવાનો મહર્ષિ વાલ્મિકીનો ઉદ્દેશ હતો. ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ નો જે મંત્ર છે તે આજે ભારતના રાષ્ટ્ર પ્રથમ, ઈન્ડીયા ફર્સ્ટના સંકલ્પનો મજબૂત આધાર છે.
હું તમામ દેશ વાસીઓને આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પ્રસંગે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું. સાથીઓ, તામિલ ભાષાના મહા કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીજીએ લખ્યુ છે કે मन्नुम इमयमलै एंगल मलैये,मानिल मीधु इधु पोल पिरिधु इल्लैये, इन्नरु नीर गंगै आरेंगल आरे इ॑गिथन मान्बिर एधिरेधु वेरे, पन्नरुम उपनिट नूलेन्गल नूले पार मिसै एधोरु नूल इधु पोले, पोननोलिर भारत नाडेंगल नाडे पोट रुवोम इग्तै एमक्किल्लै ईडे। સુબ્રમણ્યમ ભારતીજીની જે કવિતા છે, અને હિન્દીમાં તેનો જે ભાવાર્થ થાય છે તે પણ એટલો જ પ્રેરક છે. તે આ મુજબ છે
“ચમક રહા ઉત્તુંગ હિમાલય, યહ નાગરાજ હમારા હી હે જોડ નહી ધરતી પર જિસકા, વહ નાગરાજ હમારા હૈ. નદી અમારી છે ગંગા, જે મધુર ધારાનુ વહન કરે છે, વહે છે શુ અન્ય કોઈ સ્થળે, આવી પાવન કલ-કલ ધારા ?
સન્માનિત જે સકલ વિશ્વ છે, જેનો મહિમા અપાર છે, અમારા તમામ અમર ગ્રંથ, ઉપનિષદોનો દેશ પણ આ જ છે. આપણે તેના યશનુ ગાન કરીશું. આપણો આ સ્વર્ણીમ દેશ છે. ગુલામીના કાલ ખંડમાં પણ આપણાથી જગતમાં કોણ આગળ હતુ ?
ભારત માટેની આ અદભૂત ભાવનાને આજે આપણે અહીં મા નર્મદાના કિનારે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની છાયામાં વધુ નજીકથી અનુભવી શકીએ છીએ. ભારતની આજ તો તાકાત, આપણને દરેક આપત્તિમાં, દરેક આફત સામે લડવાનુ શિખવે છે.
અને જેટલુ પણ શિખવે છે, તમે જુઓ, ગયા વર્ષથી જ આપણે જ્યારે એકતા દોડમાં સામેલ થયા હતા ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન્હોતી કે સમગ્ર દુનિયાની માનવ જાતિને કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કરવો પડશે.
આ આફત અચાનક આવી પડી છે. તેણે સમગ્ર વિશ્વમાં માનવ જીવનને અસર કરી છે. આપણી ગતિને અસર કરીછે, પરંતુ આ મહામારીનો સામનો કરીને દેશે 130 કરોડ દેશવાસીઓએ જે રીતે સામૂહિક સામ્યર્થને પોતાની મજબૂત ઈચ્છાશક્તિને પૂરવાર કરી દીધી છે તે એક અભૂતપૂર્વ બાબત છે. ઈતિહાસમાં તેની બરાબરી કરી શકે તેવી કોઈ ઘટના નથી.
કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ સંગઢીત થઈને કાશ્મીરથી કન્યાકુમારી સુધી, લેહથી લક્ષદ્વિપ સુધી, અટકથી કટક સુધી, કચ્છથી કોહિમા સુધી, ત્રિપુરાથી સોમનાથ સુધી, 130 કરોડ દેશવાસીઓએ, સંગઠીત થઈને જે જોશ દેખાડ્યુ છે, એકતાનો જે સંદેશ આપ્યો છે
તેના કારણે, આઠ મહીના સુધી આપણે આ સંકટની સામે ઝૂઝવાની, લડવાની તથા વિજય પથ ઉપર આગળ ધપવાની તાકાત આપી છે, દેશના લોકોએ જેમના સન્માનમાં દિપક પ્રગટાવ્યા છે, સન્માન વ્યક્ત કર્યુ તે આપણા કોરોના વૉરિયર્સ, આપણા પોલીસના અનેક કટિબધ્ધ સાથીઓએ બીજાનુ જીવન બચાવવા માટે પોતાના જીવનનુ બલિદાન આપી દીધુ, આઝાદી પછી માનવ સેવા માટે સુરક્ષા માટે જીવનુ બલિદાન આપવાની આપણા પોલીસ દળની વિશેષતા રહી છે.
આશરે લગભગ મારા 35 હજાર પોલીસ દળના જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યાં છે, પણ પરંતુ આ કોરોના કાલખંડમાં, સેવા બદલ બલિદાન આપવા બદલ, અનેક લોકોએ પોતાની જીંદગી હોમી દીધી છે. ઈતિહાસ ક્યારેય પણ આ સુવર્ણ પળને ક્યારેય ભૂલાવી શકશે નહી, અને માત્ર પોલીસ દળના જવાનોને જ નહી, 130 કરોડ દેશવાસીઓને પણ પોલીસ દળના વીરોની આ સમર્પણ ભાવના સામે હંમેશાં નત મસ્તક થવાની પ્રેરણા મળતી રહેશે.
સાથીઓ, આ દેશની એકતાની જ એ તાકાત છે કે જે મહામારીમાં દુનિયાના મોટા મોટા દેશ જ્ સ્થિતિમાં મજબૂર થઈ ગયા હતા, તે સ્થિતિનો ભારતે દ્રઢતા સાથે મુકાબલો કર્યો છે.
આજે દેશ કોરોનામાંથી બહાર આવી રહ્યો છે અને સંગઠીત થઈને આગળ પણ વધી રહ્યો છે. આ એવી જ એકતા છે કે જે વલ્લભભાઈએ દર્શાવી હતી. આપણા સૌની આ એકતા કોરોનાના આ સંકટ સમયે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રધ્ધાંજલી છે.
સાથીઓ, આફતો અને મુશ્કેલીઓની વચ્ચે રહીને દેશે એવાં કેટલાંક કામ કર્યાં છે કે જે ક્યારેક અશક્ય માની લેવામાં આવતાં હતાં. આ મુશ્કેલ સમયમાં કલમ 370 દૂર થયા પછી, કાશ્મીરના સમાવેશનુ એક વર્ષ પુરૂ થયુ છે. 31 ઓકટોબરના રોજ એક વર્ષ પહેલાં તે કાર્યરત થયુ હતું.
સરદાર સાહેબ જીવિત હતા ત્યારે બાકીના રાજા રજવાડાંની સાથે આ કામ પણ તેમણે કર્યું હોત તો મારે આટલા વર્ષ પછી આ કામ કરવાની જરૂર ઉભી થઈ ના હોત. પણ સરદાર સાહેબનુ આ કામ અધૂરૂ રહી ગયુ હતું. તેમની જ પ્રેરણાથી 130 કરોડ દેશવાસીઓનુ આ કાર્ય કરવાની મને તક મળી છે.
કાશ્મીરના વિકાસમાં જે અવરોધો આવી રહ્યા હતા તેને પાછળ છોડીને આ દેશ વિકાસના નવા માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાનુ કામ હોય કે પછી, ઉત્તર પૂર્વના વિકાસ માટે ઉઠાવવામાં આવેલ કદમ દેશમાં એકતાના નવા ઉદાહરણો સ્થાપિત કરી રહ્યા છે.
સોમનાથના પુનઃનિર્માણથી સરદાર પટેલે ભારતને પોતાનું જે ગૌરવ પાછુ આપવાનો યજ્ઞ શરૂ કર્યો હતો તેનું વિસ્તરણ દેશે અયોધ્યામાં પણ જોયું છે. આજે દેશ રામ મંદિર ઉપર સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તે નિર્ણયનું સાક્ષી બન્યું છે અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતું પણ જોઈ રહ્યો છે.
સાથીઓ, આજે આપણે 130 કરોડ દેશવાસીઓ સાથે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ કે જે સશક્ત પણ છે અને સક્ષમ પણ છે. તેમાં સમાનતાઓ પણ છે અને સંભાવનાઓ પણ છે.
સરદાર સાહેબ પણ કહેતા હતા અને સરદાર સાહેબના એ શબ્દોનો આધાર ખેડૂતો અને શ્રમિકો હતા. હું જ્યારે વિચારૂં છું કે ખેડૂત અને ગરીબને કમજોર ના રહેવા દઉં, કેવી રીતે તેમને મજબૂત કરૂં અને મસ્તક ઉંચુ રાખીને ચાલતા કરૂં.
સાથીઓ, ખેડૂત, ગરીબ અને શ્રમિક વગેરે સશક્ત ત્યારે જ થશે કે જ્યારે તે આત્મનિર્ભર બનશે. સરદાર સાહેબનું એ સપનું હતું અને તે કહેતા હતા કે સાથીઓ, ખેડૂત, ગરીબ અને શ્રમિક ત્યારે જ સશક્ત બનશે, જ્યારે તે આત્મનિર્ભર બનશે, ત્યારે જ દેશ આત્મનિર્ભર બનશે.
સાથીઓ, આત્મનિર્ભર દેશની આપણી પ્રગતિની સાથે સાથે આપણી સુરક્ષા માટે પણ અસ્વસ્થ રહી શકીએ છીએ અને એટલા માટે જ આજે દેશ સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા તરફ આગળ ધપી રહ્યો છે. અને એટલું જ નહીં, સરહદો તરફ પણ ભારતની નજર અને દ્રષ્ટિકોણ હવે બદલાઈ ચૂક્યો છે.
ભારતની ભૂમિ ઉપર નજર બગાડનારને જડબાંતોડ જવાબ આપવાની તાકાત આપણાં વીર જવાનોના હાથમાં છે. આજે ભારતની સરહદો પર પણ સેંકડો કી.મી. લાંબી સડકો બની રહી છે. ડઝનબંધ પૂલ બની રહ્યા છે. લગાતાર અનેક સુરંગો બનતી રહે છે. આપણું સાર્વભૌમત્વ અને સન્માનની રક્ષા માટે પણ આજે ભારત સંપૂર્ણ રીતે સજ્જ છે, કટિબધ્ધ છે, પ્રતિબધ્ધ છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે.
પરંતુ સાથીઓ, પ્રગતિના આ પ્રયાસોની વચ્ચે ઘણાં એવા પડકારો પણ આવે છે કે જેનો સામનો આજે ભારત અને સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. વિતેલા થોડા સમયમાં દુનિયાના અનેક દેશોમાં જે હાલત ઉભી થઈ છે તેના કારણે કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં ખૂલીને સામે આવી રહ્યા છે. તે આજે માનવતા માટે, દુનિયા માટે, શાંતિના ઉપાસકો માટે એક વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયા છે.
આજના આ વાતાવરણની વચ્ચે દુનિયાના તમામ દેશોએ, તમામ સરકારોએ, તમામ ધર્મોએ આતંકવાદ વિરૂધ્ધ સૌથી વધુ સંગઠીત થવાની તાતી જરૂર છે. શાંતિ, ભાઈચારો અને એક બીજા તરફ આદરની ભાવના માનવતાની સાચી ઓળખ છે. શાંતિ, એકતા અને સદ્દભાવ એ જ તેનો માર્ગ છે.
આતંકવાદ અને હિંસાને કારણે ક્યારેય કોઈનું પણ કલ્યાણ થતું નથી. ભારત તો વિતેલા અનેક દાયકાઓથી આતંકવાદનો ભોગ બનેલું છે. આતંકવાદને કારણે પિડાઈ રહ્યું છે. ભારતે પોતાના હજારો વીર જવાનો ગૂમાવ્યા છે. પોતાના હજારો નિર્દોષ નાગરિકો પણ ખોયા છે. અનેક માતાઓએ તેમના લાલ ગૂમાવ્યા છે.
અનેક બહેનોએ પોતાના ભાઈ ખોયા છે. આતંકની પીડા તો ભારત સારી રીતે જાણે છે. ભારતે આતંકવાદને હંમેશા પોતાની એકતાથી, પોતાની દ્રઢ ઈચ્છાશક્તિથી જવાબ આપ્યો છે. આજે સમગ્ર વિશ્વએ પણ સંગઠીત બનીને એવી તમામ તાકાતોને પરાસ્ત કરવાની છે કે જે આતંકની સાથે છે અને આતંકવાદને પ્રોત્સાહિત કરી રહી છે.
સાથીઓ, ભારત માટે એકતાના અર્થનો વિસ્તાર ખૂબ જ વ્યાપક રહ્યો છે. આપણે તો એ લોકો છીએ કે જેમને “સર્વે ભવન્તુ સુખિનઃ” થી પ્રેરણા મળે છે. આપણે એવા લોકો છીએ કે જેમણે “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના આત્મસાત કરી છે.
આપણી આ જ તો જીવનધારા છે. ભગવાન બુધ્ધથી માંડીને મહાત્મા ગાંધી સુધી ભારતે સમગ્ર વિશ્વને શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો છે. સાથીઓ, રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરજીએ લખ્યું છે કે भारत एक विचार, स्वर्ग को भू पर लाने वाला। भारत एक भाव, जिसको पाकर मनुष्य जगता है। આપણું આ રાષ્ટ્ર આપણાં આ વિચારોથી, આપણી ભાવનાઓથી, આપણી ચેતનાઓથી, આપણાં પ્રયાસોથી આપણને સૌને સંગઠીત કરીને બનેલું છે અને તેની ખૂબ મોટી તાકાત ભારતની વિવિધતા છે.
આટલી બોલીઓ, આટલી ભાષાઓ, અલગ અલગ પ્રકારના પોશાકો, ખાણી-પીણી, રીતરિવાજ, માન્યતાઓ આ બધુ અન્ય કોઈ દેશમાં મળવું મુશ્કેલ છે. આપણાં વેદ વાક્યોમાં પણ કહ્યું છે કે जनं बिभ्रति बहुधा विवाचसं नानाधर्माणं पृथ्वीवी यथौकसम्। सहस्त्रं धारा द्रविणस्य में दुहां ध्रुवेव धेनुरन-पस्फुरन्ति। અર્થાત્ત આપણી આ માતૃભૂમિ અલગ અલગ ભાષાઓ બોલનારા, અલગ અલગ આચાર, વિચાર, વ્યવહાર ધરાવનારા લોકોને એક ઘરની જેમ ધારણ કરે છે અને એટલા માટે જ આપણી આ વિવિધતા જ આપણું અસ્તિત્વ છે.
આ વિવિધતામાં એકતાને જીવંત રાખવાનું રાષ્ટ્ર પ્રત્યે આપણું કર્તવ્ય છે. આપણે યાદ રાખવાનું છે કે આપણે એક છીએ, તો આપણે અપારજ્ય છીએ. આપણે એક છીએ, તો આપણે અસાધારણ છીએ. આપણે એક છીએ તો આપણે અદ્વિતિય છીએ. પરંતુ સાથીઓ, આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે ભારતની આ એકતા, ભારતની આ તાકાત અન્ય લોકોને ખટકતી પણ રહી છે.
આપણી આ વિવિધતાને જ એ લોકો આપણી કમજોરી બનાવવા માંગે છે. આપણી આ વિવિધતાને આધાર બનાવીને એ લોકો એક બીજા વચ્ચે ખાઈ ઉભી કરવા માંગે છે. આવી તાકાતોને ઓળખી લેવાનું જરૂરી છે. આવી તાકાતોના કારણે દરેક ભારતીયે અનેકગણું સતર્ક રહેવાની જરૂર છે.
સાથીઓ, આજે અહીંયા જ્યારે હું અર્ધ સૈનિક દળોની પરેડ જોઈ રહ્યો હતો, આપ સૌના અદ્દભૂત કૌશલ્યને જોઈ રહ્યો હતો ત્યારે મનમાં એક તસવીર હતી. અને એ તસવીર હતી પુલવામા હુમલાની. તે હુમલામાં આપણાં પોલીસ દળના, આપણાં જે વીર સાથીઓ શહિદ થયા તે અર્ધ સૈનિક દળના જ હતા.
દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી કે જ્યારે પોતાના વીર દિકરાઓને ગૂમાવવાના કારણે સમગ્ર દેશ દુઃખી હતો ત્યારે કેટલાક લોકો તેમાં સામેલ થયા ન હતા. આ લોકો પુલવામા હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ શોધી રહયા હતા, પોતાનો રાજનીતિક સ્વાર્થ જોઈ રહ્યા હતા.
દેશ ભૂલી શકે તેમ નથી કે ત્યારે કેવી કેવી વાતો કરવામાં આવતી હતી. કેવા કેવા નિવેદનો કરવામાં આવતા હતા. દેશ ભૂલી શકે તેમ નથી કે જ્યારે દેશ ઉપર આટલો મોટો ઘા પડેલો હતો ત્યારે સ્વાર્થ અને અહંકારને કારણે ભરપૂર ગંદી રાજનીતિ કેટલી ચરમ સીમા પર હતી અને એ સમયે તે વીરોની સામે જોઈને મેં વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કર્યો હતો. ગંદી ગંદી વાતો સાંભળતો રહ્યો હતો.
મારા દિલ ઉપર વીર શહિદોનો ઊંડો ઘા હતો, પરંતુ વિતેલા દિવસોમાં પડોશી દેશોમાંથી જે સમાચાર આવ્યા હતા, જે રીતે ત્યાંની સંસદમાં સત્ય સ્વીકારવામાં આવ્યું હતું તેનાથી તે લોકોનો અસલી ચહેરો દેશની સામે આવી ગયો છે. પોતાના એક માત્ર સ્વાર્થને ખાતર, રાજનીતિક સ્વાર્થ માટે આ લોકો કેટલી હદ સુધી જઈ શકે છે, પુલવામા હુમલા પછી કરવામાં આવેલી રાજનીતિ તેનું ખૂબ મોટું ઉદાહરણ છે.
હું આવા રાજનીતિક દળોને, આવા લોકોને આગ્રહ કરીશ કે આજના સમયમાં થોડો વિશેષ આગ્રહ કરીશ કે સરદાર સાહેબ તરફ જો તમને શ્રધ્ધા હોય તો આ મહાપુરૂષની આ વિરાટ પ્રતિમાની સામે તમને આગ્રહ કરૂં છું કે દેશના હિતમાં, દેશની સુરક્ષાના હિત માટે આપણાં સુરક્ષા દળોનું મનોબળ વધારવા માટે કૃપા કરીને આવી રાજનીતિ ના કરે.
આવી બાબતોથી અળગા રહે. પોતાના સ્વાર્થની ખાતર જાણે અજાણે તમે દેશ વિરોધી તાકાતોના, તેમના હાથમાં રમીને તેમનું મહોરૂં બનીને તમે પોતાનું ભલુ કરી શકશો નહીં કે દેશનું પણ ભલુ કરી શકશો નહીં.
સાથીઓ, આપણે હંમેશા એ બાબત યાદ રાખવાની છે કે આપણાં સૌના માટે જો કોઈ બાબત સર્વોચ્ચ હિત જાળવતી હોય તો તે દેશ હિત છે. આપણે જ્યારે સૌના હિત માટે વિચાર કરીશું તો જ આપણી પ્રગતિ થશે, ત્યારે જ આપણી ઉન્નતિ થશે. ભાઈઓ અને બહેનો, આજે અવસર છે કે આ વિરાટ, ભવ્ય વ્યક્તિત્વના ચરણોમાં આપણે એવા ભારતના નિર્માણના સંકલ્પને દોહરાવીએ કે જેનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું.
એક એવું ભારત કે જે સશક્ત હશે અને આત્મનિર્ભર પણ હશે. આવો આજે આ પાવન અવસર પ્રસંગે ફરીથી રાષ્ટ્ર તરફ આપણી સમર્પણ ભાવનાને દોહરાવીએ. આવો, સરદાર પટેલના ચરણોમાં નતમસ્તક સાથે આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે દેશના ગૌરવ અને માનમાં વધારો થાય.
આ દેશને નવી ઉંચાઈ ઉપર લઈ જઈએ તેવા સંકલ્પની સાથે તમામ દેશવાસીઓને એકતા પર્વની અનેક વખત, ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદરપૂર્વક સરદાર સાહેબને નમન કરતાં કરતાં શ્રધ્ધાપૂર્વક સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ આપતાં હુ દેશવાસીઓને વાલ્મિકી જયંતિની પણ શુભેચ્છા પાઠવું છું. સરદાર સાહેબની શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું.