Western Times News

Gujarati News

ગૃહકંકાસમાં પત્ની અને ત્રણ સંતાનોને જીવતા ભુંજવા ઘરને જ આગ લગાવી

સામાન્ય રીતે ગુજરાતમાં દારુબંધીછે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો અને પીવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે દારૂડિયા પતિઓ દારૂના નશામાં પત્નીઓ ઉપર અત્યાચાર ગુજરાતા હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કાબોલા ગામે દારૂના નશામાં ભાન ભૂલેલા પતિએ તેની પત્ની સાથે ઝગડો કરી એટલેથી ન અટકતા તેની પત્ની અને ત્રણ સંતાનોને જીવતા સળગાવી દેવા ઘરને આગ લગાવી દેતા ભારે ચકચાર મચી હતી સદ્નસીબે મહિલા તેના ત્રણ સંતાનો સાથે ઘરમાંથી બહાર દોડી આવી જીવ બચાવવા પાડોશીના ઘરે સંતાઈ હતી દારુડિયા પતિથી કંટાળીને મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માંગી હતી.

મહિલાને દારુડિયા પતિના રોજબરોજના ત્રાસમાંથી મૂક્તિ આપવાની સાથે ૧૮૧  અભયમ હેલ્પલાઈને બેજવાબદાર પતિને તેની જવાબદારીનું ભાન કરાવી મોડાસા રૂરલ પોલીસને સોંપી દીધો હતો મહિલા અને તેના ત્રણ સંતાનોને સહીસલામત તેના પિયરમાં પહોંચાડી હતી.

મોડાસા તાલુકાના કાબોલા ગામે દારૂના નશામાં યુવક બેફામ બન્યો હતો ત્રણ સંતાનોના પિતા બન્યા પછી પણ દારૂની લતે ચઢેલ યુવક સુધરવાને બદલે ઘરમાં રહેલી ચીજવસ્તુઓ વેચી દારૂ પી જતો હતો ત્રણ સંતાનો હોવાથી તેની પત્ની દોજખ ભર્યું જીવન પસાર કરવા મજબુર બની હતી દારૂના રવાડે ચઢેલ યુવક ઘરમાં પૈસા આપવાના બદલે દારૂ પીને નશામાં પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને ત્રણ નાના નાના સંતાનો ઉછેર માં ધ્યાન આપવાના બદલે નશામાં મદમસ્ત રહેતો હોવા છતાં પત્ની મોંઘે મોઢે ત્રાસ સહન કરતી હતી

રવિવારે દારૂનો નશો કરી ઘરે પહોંચેલા યુવકે વધુ દારૂ પીવા ઘરમાં રહેલો મોબાઈલ તેની પત્ની પાસે માંગતા મહિલાએ ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને દારૂના નશામાં ભાન ભૂલેલા દારૂડિયાએ તેની પત્ની અને ત્રણ સંતાનોને જીવતા સળગાવી દેવા માટે ઘરને આગ લગાવી દેતા મહિલા તેના ત્રણ સંતાનો સાથે પાડોશીના ઘરે સંતાઈ ગઈ હતી

અસહ્ય બનેલા પતિના ત્રાસથી હારી થાકી ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા ઘટનાની ગંભીરતા સમજી અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત,કોન્સ્ટેબલ પિન્ટુબેન અને પાયલોટ વિક્રમસિંહ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પતિના હિચકારા કૃત્યથી હેબતાઈ ગયેલ મહિલાને હિંમત આપી તેના પિયરપક્ષ સહી સલામત પહોંચાડી હતી

૧૮૧ અભયમ ટીમે દારૂડિયા યુવકને કાયદાના પાઠ ભણાવવા પોલીસની મદદ લઇ પોલીસને સોંપી દીધો હતો મોડાસા રૂરલ પોલીસે દારૂડિયા યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.