સુરત સહિત દ.ગુજરાતમાં ભારે વરસાદ
સૌથી વધુ સુરતના માંગરોળમાં ૧૧ ઈંચ અને કપરાડામાં ૧૦ ઈંચ વરસાદ ઃ સુરત શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા : ડાંગના ૩૦ ગામો સંપર્ક વિહોણા |
(પ્રતિનિધિ) અમદાવાદ: વડોદરા, રાજકોટમાં અનરાધાર વરસાદ બાદ ગઈકાલ રાતથી દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડવાનું શરૂ થતાં જ અનેક ગામો ખાલી કરાવવામાં આવી રહયા છે ખાસ કરીને વલસાડ, સુરત, નર્મદા અને ડાંગના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે તથા તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.
આ ઉપરાંત કેટલાક ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને હાઈએલર્ટ કરી દેવાયા છે સુરતના માંગરોળમાં સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ પડયો છે જયારે વલસાડના કપરાડામાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ સુરત શહેરમાં ભારે વરસાદ પડવાનો શરૂ થતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે ગુજરાતમાં એક અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી અને તે મુજબ રાજયના વડોદરા શહેરમાં અતિભારે વરસાદ પડતાં જ તથા વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી જતાં પરિસ્થિતિ વિકટ બની છે આ ઉપરાંત ગઈકાલે બપોર બાદ રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ પડયો હતો.
જેના પરિણામે રાજકોટ શહેર તથા આસપાસના ગામો જળબંબાકાર બની ગયા છે બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજકોટ અને વડોદરામાં હજુ પરિસ્થિતિ સંપૂર્ણપણે યથાવત બની નથી આ દરમિયાનમાં જ ગઈકાલ મોડી સાંજથી જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે જેના પરિણામે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહયો છે.
સૌ પ્રથમ વલસાડમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પુર આવ્યા છે મધુબન ડેમની જળ સપાટી સતત વધવા લાગતા તેના આઠ દરવાજા ૩.૭૦ મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે અને હાલમાં પ૦ર૬પ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે જેના પરિણામે કિનારાના ગામડાઓને હાઈ એલર્ટ કરાયા છે અને રેસ્કયુ ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.
વાપીમાં પણ ૧૦ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે જયારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતાં ૩૦થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને ૮ જેટલા ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે વલસાડના કેટલાક ગામો ખાલી કરાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વલસાડના ધરમપુરમાં પણ પ ઈંચ જેટલો વરસાદ પડયો છે.
જયારે સુરત જિલ્લામાં ગઈકાલ મધરાતથી ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે જેના પરિણામે સુરતવાસીઓમાં ગભરાહટ જાવા મળી રહયો છે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પણ ઠપ થઈ ગયું છે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહયો છે.