સાંજે ૫ થી ૬ કોરોના નાં દર્દીઓ પણ મતદાન કરી શકશે
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની મંગળવારે યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં કોરોના ના દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે સાંજે ૫થી ૬નો સમય ફાળવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન અન્ય મતદાતાઓની સાથે કોરોના ના દર્દીઓ પણ મતદાન કરી શકે તેવી જોગવાઈ રાખવામાં આવી છે.
જોકે સાંજે ૫ થી ૬ ના સમયગાળામાં અન્ય મતદારો પણ મતદાન કરી શકશે. છ વાગ્યા સુધી મતદાન કેન્દ્રમાં આવી ગયેલા દરેક લોકોને ટોકન આપી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે, ફાળવવામાં આવેલો સાંજે એક કલાકનો સમય આરોગ્યની દ્રષ્ટીએ કેવો પુરવાર થશે તે પણ જોવાનું રહે છે.
બીજી અગત્યની બાબત એ પણ છે કે જે લોકોને ઘરે ક્વોરોન્ટાઈન કરવામાં આવેલા હોય તેઓ, જો પોતાના ઘરમાંથી બહાર નીકળે તો તેઓને એપેડેમિક એક્ટ હેઠળ ગુનો લાગુ પડે છે. તો સાંજે ૫ થી ૬ માં મતાધિકારનો ઉપયોગ કરવા આવનારા કોરોના ના દર્દીઓ ઓ ને આ એક્ટ હેઠળ ગુનો લાગુ કરવાની જોગવાઈ, એક દિવસ પૂરતી હળવી કરવામાં આવશે કે અન્ય કોઈ સુવિધા ઊભી કરીને દર્દીને મત કેન્દ્ર સુધી લાવવામાં આવશે?
કોરોના ના દર્દી ને મત આપતી વખતે કેવા નિયમોનું પાલન કરવું પડશે એ બાબતે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિધાનસભાની આ પેટાચૂંટણીમાં મત આપવા આવનારા કોરોના ના દર્દીઓ ઘરે થી સીધા મતદાન કેન્દ્રો ઉપર અને મત આપ્યા બાદ સીધા ઘરે જશે કે નહીં એ બાબત પણ વિચારણા માંગી લે છે. અન્ય મતદાતાઓ ની સાથે સાથે કોરોના ગ્રસ્ત દર્દીઓ ને મત આપવા માટે બોલાવવાથી, ત્યાં ઉપસ્થિત સ્વસ્થ લોકો પણ કોરોનાના સંક્રમણ નો ભોગ બનવાની દહેશત ઉભી થઈ શકે છે.