અમદાવાદમાં માત્ર ૧૮ સ્થળે જ વરસાદી પાણી ભરાશેઃ મ્યુનિ.કમીશ્નર
હસના મના હૈ ! |
રોડ કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા પાણી ભરાવાની ખોટી જાહેરાતો કરવામાં આવી હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં બુધવાર મોડી સાંજે ખાબકેલ ત્રણથી ચાર ઈંચ વરસાદ બાદ અનેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો તથા ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પરીણામે નાગરીકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ મ્યુનિ. કમીશ્નરના મંતવ્ય મુજબ ત્રણથી ચાર ઈંચ વરસાદ થયો હોવો છતાં પણ માત્ર૧૮ સ્થળે જ પાણી જ ભરાયા હતા. ભવિષ્યમાં પણ ૧૮ સ્થળે જ વરસાદી પાણીનો ભરાવો થશે. મ્યુનિ. કમીશ્નરની સદ્દર જાહેરાતને કેટલાક વક્રદ્રષ્ટા સાબરમતી શુધ્ધિકરણ સાથે પણ જાડી રહયા છે. જયારે તૂટેલા રોડ પર ઢાંકપિછોડા કરવા માટે પણ ખોટા દાવા થઈ રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં કયારેય ન થયા હોય તેવા કામ છેલ્લા થોડા મહીનાઓમાં જ થયા હોવાનું વર્તમાન કમીશ્નર માની રહયા છે. ર૦૧૮ ના વર્ષમાં જુલાઈ માસના અંતિમ દિવસે બરાબર સાંજે ૬થી૯ વાગ્યાના સમયગાળા દરમ્યાન માત્ર બે ઈંચ વરસાદ થયો હતો તેમ છતાં ર૦૯ ઠેકાણે પાણી ભરાયા હતા.
ર૦૧૯માં જુલાઈ માસના અંતિમ દિવસે બરાબર ૬થી૯ વાગ્યાના સમયગાળામાં ત્રણથી ચાર ઈંચ વરસાદ થયો હતો તેમ છતાં માત્ર ૧૮ ઠેકાણે જ વરસાદી પાણી ભરાયા હતા. તેવા દાવા કમીશ્નર દ્વારા કરવામાં આવ્યા હતા. જેને આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો કદાચ સમજાત આપતા હશે જયારે શહેરીજનો તેને “હાસ્યાસ્પદ” ગણાવી રહયા છે.
બુધવારના વરસાદમાં ૬૦ કરતા પણ વધુ સ્થળે પાણી ભરાયા હતા તે બાબત કોઈ નકારી શકે તેમ નથી. મ્યુનિ. કમીશ્નર કદાચ પાંચ-સાત મેઈન રોડ કે વોર્ડની જ વાત કરતા હશે તેમ માનીને આ દાવાને મન પર ન લેવામાં આવે તે વધુ યોગ્ય છે. તેવા કટાક્ષ પણ થઈ રહયા છે. ગત વર્ષે જયદીપ ટાવર કે હાટકેશ્વર સર્કલ શિરદર્દ સમાન બની ગયા હતા. આ બંને સ્થળે સમસ્યા હળવી થઈ છે. તે સ્વીકાર્ય છે. પરંતુ ર૦૯ વોટર લોગીંગ સ્પોટ પૈકી માત્ર ૧૮ સ્થળે જ તકલીફ રહેશે તેવા દાવા થોડા વધુ પડતા લાગી રહયા છે.
મ્યુનિ.કમીશ્નરે પૂર્વ ઉત્તર અને દક્ષિણઝોનના આંતરીયાળ વિસ્તારની મુલાકાત કરી હોય તેમ લાગી રહયું નથી. મેઈન રોડની તકલીફ હળવી થાય એટલે સમગ્ર શહેરની તકલીફ હળવી થાય તેવા સમીકરણ મુકીને પ્રજાકીય કામ ન થાય. મ્યુનિ. કમીશ્નર ૧૮ સ્પોટની વાત કરે છે. તેના કરતા વધુ સ્પોટ માત્ર દક્ષિણ ઝોનમાં જ છે.
મ્યુનિ.કોર્પોરેશન ના કોઈપણ ઝોનમાં ૧૮ કરતા વધુ સ્થળે વરસાદી પાણી ભરાતા હશે. કેચપીટ અને મેનહોલની સફાઈ બાદ પાણી નો ઝડપી નિકાલ થઈ રહયો છે. તે બાબત માનવા યોગ્ય છે. જયારે વરસાદી પાણીના ભરાવા અને નિકાલની ગડમથલમાં રોડ ધોવાણ ના કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ.સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૭ માં એક જ રાતમાં સાત ઈંચ કરતા વધુ વરસાદ થયો હતો. જેના પરીણામે ૯૦ કરતા વધુ સ્થળે રોડના ધોવાણ થયા હતા. જયારે બુધવારે માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ ૯૦ કરતા વધુ સ્થળે રોડના ધોવાણ થયા છે. કે ગાબડા પડી ગયા છે. શહેરમાં સૌથી મોઘા રોડ જનમાર્ગ કોરીડોરમાં બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રતિ એક કીલોમીટર રૂ.આઠ કરોડનો ખર્ચ થયો છે.
ત્રણ ઈંચ વરસાદ માં રૂ.આઠ કરોડના રોડ “ડીસ્કો રોડ”માં તબદીલ થઈ ગયા છે. માંડ એક મહીના પહેલા લોકાર્પ્ણ થયેલ ઈન્કમટેક્ષ ફલાય ઓવરમાં પણ ગાબડા પડી ગયા છે. શહેરના તમામ ફલાય ઓવરના સર્વીસ રોડની પરીસ્થિતી બિસ્માર છે. ર૦૧૮માં માઈક્રોસરફેલ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે માઈક્રોરીસરફેસના પણ પોપડા ઉખડી રહયા છે. શહેરના એકાદ-બે રોડને બાદ કરતા કોઈ પણ રોડ પર દર ૧૦૦ મીટરે ત્રણથી ચાર ખાડા જાવા મળશે તે નિશ્ચિત છે.
મ્યુનિ.કમીશ્નરને પ્રજા પાસેથી દંડ વસુલ કરવામાં રસ છે. સારા રોડ-રસ્તા આપવામાં રસ નથી તેવી ટીકા પણ થઈ રહી છે. મ્યુનિ. કોગ્રેસ પક્ષ નેતા દિનેશ શર્માએ પણ આ મામલે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ સાબરમતી રીવરફ્રન્ટના રોડ તૂટી ગયા છે.
શહેરમાં છ-સાત સ્થળે ફલાય ઓવરના કામ ચાલી રહયા છે. તેના સર્વીસ રોડની પરીસ્થિતી ખરાબ છે. રોડ પરથી પોપડા ઉખડી ગયા છે. કોન્ટ્રાકટરો કામ લેવા માટે નીચા ભાવ આપે છે. જયારે ઈજનેર અધિકારીઓ ગુણવતા મામલે આંખ આડા કાન કરી રહયા છે. જેના માઠા પરીણામ દર વર્ષે જાવા મળે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.