સાબરમતી શુદ્ધિકરણનો ભવ્ય ફિયાસ્કો
મ્યુનિ.કોર્પાેરેશન દૈનિક ૧૦૫ એમએલડી ગંદુ પાણી નદીમાં છોડી રહ્યું છે : દિનેશ શર્મા |
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે ચાર મહિનામાં સાબરમતી નદી શુદ્ધિકરણના દાવા કર્યા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી નદી શુદ્ધિકરણ અભિયાન ચલાવવામાં આવશે તથા નદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવામાં આવશે. નદીમાં દૈનિક ૮ કરોડ લીટર ગંદુ પાણી છોડવામાં આવ્યું હતું તે પણ બંધ કરવામાં આવ્યું હોવાની જાહેરાત બે મહિના પહેલાં કરવામાં આવી હતી. પરંતુ માત્ર બે મહિનામાં જ કમિશ્નરના તમામ દાવા પોકળ સાબિત થયા છે. તથા મ્યુનિ.કોર્પાેરેશન દૈનિક ૧૦૫ એમ.એલ.ડી અશુદ્ધ પાણી સાબરમતી નદીમાં છોડી રહ્યું છે. તથા તે અંગે જીપીસીબી દ્વારા મનપાને નોટિસ પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં વિંઝોલ ખાતે રૂ.૮ કરોડના ખર્ચથી ૭૦ એમ.એલ.ડી.ના હયાત પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવ્યો છે. જ્યારે રૂ.૫૦ કરોડના ખર્ચથી ૩૫ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ બંનેના કામ એક વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયા હોવા છતાં તે સંપૂર્ણપણે બંધ છે.
૩૫ એમએલડીના ટ્રાયલરનમાં કેમિકલયુક્ત પાણી આવ્યું હતું. તેથી તે કાર્યરત કરવામાં આવ્યો નથી. જ્યારે ૭૦ મીટરને કાર્યરત કરવામાં આવ્યો હતો. તેને પણ કેમીકલયુક્ત પાણી આવી જવાના કારણોસર બંધ કરવામાં આવ્યો છે. તથા ડ્રેનેજ વોટરને ટ્રીટ કર્યા સિવાય બારોબાર આવી રહ્યું છે. ગુજરાત પોલ્યુશન બોર્ડે પણ ૨૯ જુલાઈએ આ મુદ્દે મનપાને નોટિસ આપી છે.
મ્યુનિ.કમિશ્નર અને સત્તાધીશો નદી શુદ્ધિકરણના બણગાં ફૂંકી રહ્યા છે. તથા રૂ.૪૫૦ કરોડના ખર્ચથી નવા એસટીપી બનાવવા જાહેરાતો કરી છે. જ્યારે હયાત ૧૦૫ એમએલડીના પ્લાન્ટ બંધ છે. જે શરમનજનક બાબત છે. વિંઝોલ અને તેની આસપાસના વિસ્તારમાંથી જે લોકો કેમીકલયુક્ત પાણી છોડી રહ્યાં છે. તેમની સામે કાર્યવાહી કરવાના બદલે પ્લાન્ટ જ બંધ કરવામાં આવ્યા છે.
ડ્રેનેજ વોટરને ટ્રીટ કરવાના બદલે સાબરમતી નદીમાં કોના આદેશથી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ થાય તે જરૂરી છે. આ વિસ્તારમાં વર્ષાેથી કેમીકલયુક્ત એસિડિક પાણી છોડવામાં આવી રહ્યા છે. જેના કારણે ૭૦ એમએલડી પ્લાન્ટની મશીનરી પણ ખવાઈ ગઈ હતી. ૭૦ એમએલડી પ્લાન્ટને ૨૦૦૮માં ઔડાએ બનાવ્યો હતો.
જેનું આયુષ્ય ૨૦૨૬ સુધી હતું. પરંતુ કેમીકલયુક્ત પાણીના પરીણામે ૨૦૧૬માં જ પ્લાન્ટ ખતમ થઇ ગયો છે. મ્યુનિ.અધિકારીઓએ કેમીકલયુક્ત પાણી બંધ કરવાની દિશામાં કામ કરવાના બદલે પ્લાન્ટ અપગ્રેડ કરવા તથા નવો પ્લાન્ટ બનાવી ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે. મ્યુનિ.કમિશ્નર માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ જાહેરાતો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. નાના વેપારીઓ પાસેથી દંડ વસુલ કરીને ગજ-ગજ છાતી ફુલાવવા કમિશ્નરે કેમીકલયુક્ત પાણી છોડનાર સામે કાર્યવાહી કરવા નૈતિક હિંમત બતાવવી જરૂરી છે.
ખારીકટ કેનાલની સફાઈ માટે રૂ.પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પણ ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે સાબરમતી શુદ્ધિકરણના નામે પણ કરોડોનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ અધિકારીઓ અને તેમના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ થશે. તેમજ નદી શુદ્ધિકરણના દાવા વધુ એક વખત પોકળ સાબિત થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.