કોહલીની ટીમ દિલ્હી સામે હારી, છતાં બંને ટીમો પ્લેઓફમાં
દુબઈ: અજિંક્ય રહાણે અને શિખર ધવનની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે સોમવારે અબુધાબીમાં રમાયેલા મુકાબાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ વિજય સાથે જ દિલ્હીની ટીમ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનના પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જ્યારે પરાજયનો સામનો કરનારી બેંગલોરની ટીમ પણ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. દિલ્હીએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
ઓપનર દેવદત્ત પડિક્કલની અડધી સદીની મદદથી બેંગલોરે દિલ્હી સામે ૧૫૩ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૧૯ ઓવરમાં ચાર વિકેટે ૧૫૪ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ટોચના સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સના ૧૮ પોઈન્ટ છે જ્યારે દિલ્હી કેપિટલ્સના ૧૬ પોઈન્ટ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સના ૧૪-૧૪ પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટના આધારે બેંગલોર પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.
જ્યારે કોલકાતાએ મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાનારી લીગની અંતિમ મેચના પરિણામ પર આધાર રાખવો પડશે. જો આ મેચમાં મુંબઈનો વિજય થશે તો કોલકાતા ક્વોલિફાઈ થઈ જશે. પરંતુ જો મુંબઈ હારી જશે તો હૈદરાબાદના પણ ૧૪ પોઈન્ટ થઈ જશે તેવામાં નેટ રનરેટ સારી હોવાથી હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતા છે. ૧૫૩ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી.
૧૯ રનના સ્કોરે પૃથ્વી શો આઉટ થઈ ગયો હતો. તેણે નવ રન નોંધાવ્યા હતા. જોકે, ત્યારબાદ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓપનર શિખર ધવન તથા અજિંક્ય રહાણેએ મળીને શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ ૮૮ રનની ભાગીદારી નોંધાવીને ટીમના વિજયનો પાયો નાંખ્યો હતો.
ધવને વધુ એક અડધી સદી નોંધાવતા ૪૧ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૫૪ રન ફટકાર્યા હતા. જ્યારે વર્તમાન ટુર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા અજિંક્ય રહાણેએ ૪૬ બોલમાં ૬૦ રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. કેપ્ટન શ્રેયસ ઐય્યર સાત રન નોંધાવીને આઉટ થયો હતો.
જ્યારે રિશભ પંતે અણનમ આઠ અને માર્ક્સ સ્ટોઈનિસ અણનમ ૧૦ રન નોંધાવ્યા હતા. બેંગલોર માટે શાહબાઝ અહેમદે બે તથા મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ ઓપનર દેવદત્ત પડિક્કલની અડધી સદી તથા એબી ડી વિલિયર્સની આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જોશ ફિલિપ અને દેવદત્ત પડિક્કલની ઓપનિંગ જોડીએ મક્કમ શરૂઆત કરી હતી. ફિલિપ ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ પડિક્કલે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને બાજી સંભાળી હતી. આ જોડીએ ૫૭ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, કોહલી ૨૪ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૯ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે પડિક્કલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પાંચ ચોગ્ગાની મદદથી ૪૧ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા.
ત્યારબાદ એબી ડી વિલિયર્સે તાબડતોબ બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. જોકે, સામે છેડે શિવમ દૂબે સિવાય કોઈ બેટ્સમેને તેને યોગ્ય સહકાર આપ્યો ન હતો. ડી વિલિયર્સે ૨૧ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જેમાં એક ચોગ્ગો અને બે સિક્સર સામેલ હતી. શિવમ દૂબેએ ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કાગિસો રબાડાને બે તથા રવિચંદ્રન અશ્વિનને એક સફળતા મળી હતી.