યુવતીના ગળામાં ૪ ઈંચ અંદર ઘૂસેલા સોલ્ડરને બહાર કઢાયું
અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ ગળામાં ઘૂસેલું સોલ્ડર કાઢીને યુવતીને નવજીવન આપ્યું છે. શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતી યુવતીને માલિકના પુત્ર સાથે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પુત્રે યુવતીને ગરમ સોલ્ડર રોડ (સળીયો) ગળાના ભાગે મારતા સોલ્ડર રોડ બે ધોરી નસ વચ્ચે થઈ ચાર ઈંચ જેટલો અંદર ઘૂસી ગયો હતો. ત્યારબાદ યુવતીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા સિવિલના ઈએનટી વિભાગના ડૉક્ટરોએ સોલ્ડર સફળતાપૂર્વક કાઢતા યુવતી બચી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ મેમ્કો વિસ્તારમાં બલ્બ બનાવાના કારખાનામાં ૨૫ વર્ષીય સંજુ પ્રજાપતિ નોકરી કરે છે અને પતિ સાથે ફેક્ટરીમાં રહે છે. દરમિયાન ફેક્ટરીના માલિકના પુત્ર સાથે માછાકૂટ થતા માલિકના પુત્રએ ગરમ સોલ્ડરથી સંજુ પર હુમલો કરતા સોલ્ડર ગળામાં ચાર ઈંચ જેટલું ઘૂસી ગયું હતું. સિવિલના ડૉક્ટરો દ્વારા બે દિવસની સારવાર બાદ મહિલા સ્વસ્થ થતા તેને રજા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
ડૉ કલ્પેશ પટેલે જણાવ્યું કે, સોલ્ડર બે ધોરી નસ વચ્ચે થઈને અંદર ઘૂસી મોઢાના પાછળના ભાગમાં ફસાઈ ગયું હતું. જો, સોલ્ડર સામાન્ય પણ આગળ પાછળ વાગ્યું હોત તો ધોરી નસને નુકસાન થવાની શક્યતા હતી. એટલું જ નહીં, જ્યાં સોલ્ડર હતું ત્યાં મગજની નસ પણ હતી. પરંતુ સદનસીબે ત્યાં પહોંચતા પહેલા અટકી જતા યુવતી બચી ગઈ છે. અગાઉ એક કિશોરીના ગળામાં કાતર ઘૂસી ગઈ હતી. જે સિવિલના તબીબો દ્વારા સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી.