પૂર્વ લદ્દાખમાં અત્યારથી જ તાપમાન માઈનસ 10ની નીચે
લેહ, લદ્દાખની સીમા પર ચીન સાથેના તનાવ વચ્ચે ભારતીય સેનાએ શિયાળાની આકરી ઠંડી અને ચીનના સૈનિકો એમ બે મોરચે ઝઝુમવાનુ છે.
શિયાળાએ લદ્દાખમાં પોતાનો પરચો બતાવવાનો શરુ કરી દીધો છે.પૂર્વ લદ્દાખમાં જ્યાં ચીન સાથે ટકરાવ ચાલી રહ્યો છે અને હજારો ભારતીય સૈનિકો જ્યાં તૈનાત છે ત્યાં અત્યારથી જ તાપમાન માઈનસ 10 થી 20 ડિગ્રી નીચે જતુ રહ્યુ છે.જોકે આ સ્થિતિમાં પણ ભારતીય સૈનિકોએ ચીન સામે આખો શિયાળો કાઢવો પડશે ત્યારે સેનાએ તેનો સામનો કરવા માટે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.
અહીંયા સૈનિકોની તૈનાતી માટે સિયાચીનની જેમ રોટેશન પધ્ધતિ અપનાવાઈ છે.જેમ કે અહીં સૈનિકોને 90 દિવસ માટે તૈનાત કરાશે અને એ પછી તેમનુ સ્થાન બીજા સૈનિકો લેશે.
લદ્દાખમાં પૈગોંગ લેકથી માંડીને રેઝાંગ લા સુધી ભારતીય સૈનિકો તૈનાત છે અને કદાચ પહેલી વખત ભારતીય સૈનિકો શિયાળામાં અહીંયા તૈનાત કરાયા છે.આ સંજોગોમાં શિયાળાનો સામનો કરવા માટે અમેરિકાથી ખાસ 11000 ટેન્ટ મંગાવાયા છે.
લદ્દાખની પહાડીઓની ટોચ પર તૈનાત સૈનિકો માટે રાશન, કેરોસિન હિટર, ખાસ કપડા, દવાઓનો જથ્થો ઉતારી દેવાયો છે.આમ છતા આટલા નીચા તાપમાનમાં સૈનિકોની તબિયત પર અસર થવાની સંભાવના રહેલી છે.