ચૂંટણીમાં વિજયનો ડોનાલ્ડ ટ્રમ્પ અને જાે બિડેનનો દાવો
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે યુએસ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મોટી ગોલમાલ થઈ છે અને અમેરિકાના નાગરિકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હું હવે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીને પડકારીશ. યુએસ પ્રેસિડેન્ટે આ વાત ત્યારે જણાવી જ્યારે હજુ મહત્વના રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રેસમાં આગળ ચાલી રહ્યા છે.
વ્હાઈટ હાઉના પૂર્વ તરફના રૂમમાં પસંદગીના મહેમાનોને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે એકાએક બધું અટકી ગયું. આ અમેરિકાના લોકો સાથે છેતરપિંડી છે. આ આપણા દેશ માટે શરમજનક છે. અમે ચૂંટણીમાં વિજયની તૈયારીઓ કરી રહ્યા હતા. અમે નિખાલસ રીતે આ ચૂંટણી જીતી લીધી છે. જો કે ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં શું ગોલમાલ થઈ છે તે અંગે કોઈ ટિપ્પણી કરી નહતી.
યુએસના રાષ્ટ્રપતિની ગાદી મેળવવા માટે કોઈપણ પાર્ટીએ ૫૩૮ પૈકી ૨૭૦ ઈલેક્ટોરલ વોટ મેળવવા પડે છે. છેલ્લા અહેવાલ મુજબ જો બિડેનને ૨૨૫ તેમજ ટ્રમ્પને ૨૧૩ ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં પેનસિલ્વેનિયા સહિતના મહત્વના રાજ્યોમાં આગળ ચાલી રહ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું કે, અમારું લક્ષ્ય હવે દેશના હિતમાં અખંડિતતાની ખાતરી કરવાનું છે. આ એક વિશાળ ક્ષણ છે. આપણા રાષ્ટ્ર સાથે મોટી ગોલમાલ થઈ છે. અમે આ બાબતે કાયદાનો યોગ્ય ઉપયોગ થાય તેમ ઈચ્છીએ છે. જેથી અમે આ પ્રક્રિયાને યુએસ સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. અમે તમામ મતદાનને અટકાવવા માંગ કરીશું. અમે નથી ઈચ્છતા કે તેઓ સવારના ચાર વાગ્યાના મતપત્રકોને ધ્યાનમાં લે અને તેની ગણતરી કરે. દેશ માટે આ દુઃખદ પળ છે. અમે આ ચૂંટણી જીતીશું અને મારા મતે અમે આ ચૂંટણી જીતી લીધી છે.
ટ્રમ્પે અમેરિકાના નાગરિકોનો બહોળા સમર્થન બદલ આભાર માન્યો હતો. લાખો લોકોએ આ લોકશાહીના પર્વમાં ભાગ લીધો. અમે ભવ્ય ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા હતા. તમામ સ્થળે અમારો વિજય થવાનો હતો તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. જો કે વિપક્ષ દ્વારા સામ, દામ, દંડ ભેદ બધું જ અપનાવાયું છતા મહત્વના રાજ્યોમાં અમારો વિજય નિશ્ચિત જણાય છે. જો કે હવે અમે આ બાબતે કોર્ટના દરવાજા ખટખટાવીશું તેમ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું.
દરમિયાનમાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ જાહેર થવાને હજુ વાર છે, અને જાણકારોનું માનીએ તો આ ઈંતેજાર લંબાઈ શકે છે. જોકે, ટ્રમ્પે તો અત્યારથી જ પોતે ઉજવણીની તૈયારીઓ શરુ કરી દીધી છે તેવો દાવો કરી લીધો છે. ત્યારે સવાલ એ થાય કે અમેરિકાના સમય પ્રમાણે ટ્રમ્પે રાત્રે ૨ વાગ્યે કરેલો આ દાવો કેટલો સાચો છે?
હજુ સુધી અમેરિકામાં કોઈ મીડિયા હાઉસે ટ્રમ્પને કે બિડેનને વિજેતા જાહેર નથી કર્યા. જે રાજ્યોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે ત્યાં પણ હજુય લાખો બેલેટ્સ ગણવાના બાકી છે. જોકે, આ બધા વચ્ચે ટ્રમ્પે કોઈ વિગતવાર કારણ આપ્યા વિના જ પોતાની જીત જાહેર કરીને તમામ પ્રકારની મત ગણતરી અટકાવવામાં આવે તેવી માગ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી હતી. અમેરિકન કાયદા અનુસાર, કોઈપણ ચૂંટાયેલો નેતા મત ગણતરી રોકવાનો આદેશ આપી શકે નહીં. એક તરફ ટ્રમ્પ મત ગણતરી અટકાવવાની વાત કરી રહ્યા હતા, અને બીજી તરફ એરિઝોનામાં પોતાની સ્થિતિ મજબૂત બની રહી હોવાનો દાવો કરી રહ્યા હતા. ટ્રમ્પ જીતના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના હરિફ બિડેને પોતાના સમર્થકોને ધીરજ રાખવાની અપીલ કરી છે. બિડેને કહ્યું હતું કે આ ચૂંટણી કોણ જીતી રહ્યું છે તે હું કે ટ્રમ્પ હાલના તબક્કે ના કહી શકીએ. આ ર્નિણય અમેરિકાની પ્રજાનો છે, અને હું તેના પરિણામ અંગે આશાવાદી છું.
ટ્રમ્પ મત ગણતરી અટકાવવા ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી તો બિડેનના પ્રવક્તાઓ તરફથી પણ તુરંત જ પ્રતિક્રિયા આવી હતી કે જો ટ્રમ્પ આમ કરશે, તો અમારી લીગલ ટીમ પણ તેમનો મુકાબલો કરવા માટે તૈયાર છે.
અમેરિકામાં આ વખતની ચૂંટણીમાં વોટિંગ પણ ખૂબ જ વધારે થયું છે. ૨૦૧૬માં ૧૩૯ મિલિયન વોટ્સ પડ્યા હતા જે એક રેકોર્ડ હતો. જોકે, આ વખતે અમેરિકામાં મતદાનની ટકાવારી સૌથી વધુ રહે તેવું અનુમાન છે. તેમાંય મતદાનના દિવસ પહેલા જ ૧૦૦ મિલિયન મત પડી જવા એક રેકોર્ડ છે. ડેમોક્રેટ્સને એ વાતનો પણ ડર છે કે કેટલાક કેસમાં સુપ્રીમ કોર્ટમાં હવે કન્ઝર્વેટિવ જજ બહુમતીમાં છે. જેનાથી ટ્રમ્પ ઈચ્છે છે તેમ મત ગણતરીમાં નિયંત્રણ આવી શકે છે.SSS