આ અમારી જીત નહીં હોય, આ અમેરિકાના લોકો માટેની જીત હશે
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. હાલ તો જે તસવીર જોવા મળી રહી છે તે મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન આગળ છે. બાઈડેને ટ્વીટ કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી. તેમણે લખ્યું છે કે મને વિશ્વાસ છે કે અમે જીતીશું. બાઈડેનને આ ટ્વીટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી પરિણામોને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સતત મળી રહેલી લીડ જોતા જો બિડેન પોતાની જીતને લઈને એકદમ આશ્વસ્ત થઈ ગયા છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે વિજયી થઈશું. પરંતુ આ એકલા મારી કે અમારી જીત નહીં હોય. આ અમેરિકાના લોકો માટે, આપણા લોકતંત્ર માટે, અમેરિકાની જીત હશે. તેમણે વધુમાં લખ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા અને એક બીજા પર વિશ્વાસ જાળવી રાખો. ભેગા મળીને આપણે જીત મેળવીને રહીશું. બાઈડેનના ટ્વીટના જવાબમાં ટ્રમ્પે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર જ સવાલ ઊભો કરી દીધો છે. તેમણે લખ્યું છે કે “અમારા વકીલોએ ‘સાર્થક પહોંચ’ માટે કહ્યું છે. પરંતુ શું આ સાચું છે? આપણી પ્રણાલીની અખંડિતતા અને રાષ્ટ્રપતિ ચૂંટણીને નુકસાન પહેલેથી જ પહોંચાડી દેવાયું છે. જેના પર ચર્ચા થવી જોઈએ.”
અત્રે જણાવવાનું કે ટ્રમ્પ તરફથી બુધવારે પેન્સિલ્વેનિયા અને મિશિગન મુદ્દે કેસ દાખલ કરાયો છે. આ સાથે જ કેમ્પેઈન પર્યવેક્ષકો માટે સાર્થક પહોંચ પ્રદાન કરવા સુધી મતગણતરી રોકવાની અપીલ કરાઈ છે. મિશિગન અને પેન્સિલ્વેનિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર લીડ જાળવી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પ કેમ્પેને કોર્ટ પાસે વિસ્કોન્સિન રાજ્યમાં ફરીથી મતગણતરી કરાવવાની માગણી કરી છે.
જ્યાં બાઈડેનને જીત મળી છે. ટ્રમ્પના કેમ્પેઈન મેનેજર બિલ સ્ટીને કહ્યું કે અમને ખબર હતી કે આમ થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેમ્પેઈનને મતપત્રોની ગણતરી અને મતગણતરીની પ્રક્રિયાનું નીરિક્ષણ કરવા માટે અનેક મતગણતરીના સ્થળો સુધી સારી પહોંચ આપવામાં આવી નથી, જે મિશિગન કાયદા મુજબ ગેરંટીકૃત છે. આથી હવે અમે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ડેમોક્રેટ જો બાઈડેને એરિઝોનમાં જીત સાથે જ તેના ૧૧ ઈલેક્ટોરલ મત પણ મેળવી લીધા છે.
જે ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ફટકો છે. એરિઝોનાએ છેલ્લા ૭૨ વર્ષોમાં ફક્ત એકવાર કોઈ ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું સમર્થન કર્યું છે. જે દર્શાવે છે કે ટ્રમ્પના કાર્યકાળથી અહીંના લોકોમાં કેટલી નારાજગી હતી. અત્રે જણાવવાનું કે એરિઝોના એવા અડધા ડઝન રાજ્યોમાંનું એક છે જે નિર્ધારિત કરશે કે વ્હાઈટ હાઉસની રેસ કોણ જીતશે.