નીરજ અંતાણીએ ઓહિયોથી ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો
વોશિંગ્ટન: અમેરિકાના ઓહિયો રાજ્યના સેનેટ તરીકે ચૂંટાઈને આવેલા ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ પ્રથમ ભારતીય અમેરિકન તરીકે ઈતિહાસ રચ્યો છે. અંતાણી હાલમાં રાજ્યના પ્રતિનિધિ છે, જેમણે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવી ઓહિયોના છઠ્ઠાં સ્ટેટ સેનેટર બન્યા છે. જેમાં મોન્ટગોમરી કાઉન્ટીનો મોટોભાગ સમાવેશ થયેલો છે.
અંતાણીએ કહ્યું કે આ સમુદાયના સતત સમર્થન માટે ખૂબ આભારી છું જેમાં હું જન્મ્યો અને ઉછર્યો. મારા દાદા દાદી તેમનું જીવન ભારતમાં બ્રિટીશ શાસન હેઠળ જીવતા હતા, ફક્ત સાત દાયકા પહેલાં જ તેઓને આઝાદી મળી હતી. તેમના પૌત્ર અમેરિકાના ઓહિયોના પહેલા ભારતીય-અમેરિકન સ્ટેટ સેનેટર બની શકે તે અમેરિકાની સુંદરતા છે.
મારા પર વિશ્વાસ રાખવા અને સ્ટેટહાઉસમાં તેમનો અવાજ બનાવા બદલ મતદારોનો હું આભારી છું. પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ અંતાણી માત્ર ૨૩ વર્ષની ઉંમરે ૨૦૧૪માં ઓહિયો હાઉસના રિપ્રેઝન્ટેટિવ તરીકે ચૂંટાયા હતા.
તેઓ અમેરિકાના સૌથી યુવા રાજ્યના ધારાસભ્યમાં એક બન્યા હતા. અંતાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના સેનેટર તરીકે, હું દરરોજ સખત મહેનત કરીશ જેથી તમામ ઓહિયોના લોકોને અમેરિકન સ્વપ્ન હાંસલ કરવાની તક મળી શકે. અંતાણીના માતાપિતા ૧૯૮૭ માં યુ.એસ. આવ્યા હતા અને વોશિંગ્ટન ટાઉનશીપમાં સ્થાયી થયા હતા. પાછળથી, તેઓ માયામી ગયા.