અભિનેત્રી કાજલ અગ્રવાલની લગ્ન બાદ પહેલી કરવા ચોથ
મુંબઈ: એક્ટ્રેસ કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂએ ૩૦ ઓક્ટોબરના રોજ ધામધૂમથી લગ્ન કર્યા છે. લગ્ન બાદ કાજલ અને ગૌતમ પહેલી કરવા ચોથ સાથે ઉજવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કાજલ અને ગૌતમની પહેલી કરવા ચોથના સેલિબ્રેશનની ઝલક બતાવવામાં આવી છે. તસવીરમાં જોઈ શકો છો કે ગૌતમના હાથમાં સાળી નિશા અગ્રવાલ મહેંદી લગાવી રહી છે. જ્યારે કાજલ અગ્રવાલ કેમેરા સામે પોઝ આપી રહી છે. બીજી એક તસવીર મહેંદીવાળા હાથની છે અને કયો હાથ કોનો છે
તેવું પૂછવામાં આવ્યું છે. આ ઉપરાંત કાજલ અગ્રવાલે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. જેમાં તે લાલ રંગના ડ્રેસ અને માસ્કમાં જોવા મળી રહી છે. કાજલે પોતાની આ તસવીર શેર કરીને પતિ ગૌતમ કીચલૂને પહેલી કરવા ચોથની શુભકામના આપી છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી કાજલ અને ગૌતમ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા છે. નવા ઘરમાં આવ્યા પછી નવા જીવનની શરૂઆત તેમણે પૂજા સાથે કરી હતી. ગૌતમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી છે
જેમાં બંને પૂજામાં બેઠેલા જોવા મળે છે. કપલે બ્લૂ રંગના ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા. ગૌતમે આ તસવીર શેર કરતાં લખ્યું, નવી શરૂઆતની ઉજવણી. ગત અઠવાડિયે મળેલા આશીર્વાદ, મારી અતુલ્ય પત્ની અને અમારા નવા ઘર માટે આભારી છું. કાજલ અગ્રવાલે પતિની આ પોસ્ટ પર હાર્ટવાળું ઈમોજી મૂકીને કોમેન્ટ કરી હતી. કાજલ અગ્રવાલે ઓક્ટોબર મહિનામાં લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. કાજલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું,
આ મહામારીએ ચોક્કસ અમારી ખુશીઓને ઝાંખી કરી છે પરંતુ અમે એકસાથે અમારું નવું જીવન શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. તમે સૌ પણ અમારી ખુશીઓમાં ખુશ થશો તેવી અપેક્ષા છે.” ઉલ્લેખનીય છે કે, કાજલ અને ગૌતમ સાત વર્ષથી એકબીજાના ફ્રેન્ડ્સ છે અને તેઓ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતા.
કાજલે હાલમાં જ મહામારી દરમિયાન લગ્ન કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, તેઓ એકબીજાને મળવા માટે ટેવાયેલા હતા. કોઈ પાર્ટી હોય કે પછી પ્રોફેશનલ મીટિંગ, તેઓ હંમેશા સાથે જતા હતા. જો કે, લોકડાઉન દરમિયાન તેઓ ઘણા અઠવાડિયા સુધી મળી શક્યા નહીં. તે સમયે બંનેને સમજાયું કે, તેઓ એકબીજાની સાથે રહેવા ઈચ્છતા હતા.