મોડાસા શહેરમાં ATM કૉરોનામાં સપડાયા, છેલ્લા પંદર દિવસથી ક્વૉરન્ટાઇન થતાં ખાતેદારોને હાલાકી!

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં હાલ કૉરોનાનો કહેર જોવા મળી રહ્યો છે આ વચ્ચે બેંકના કર્મચારીઓ પણ કૉરોના સંક્રમિત થયા હતા પણ હવે મોડાસા શહેરમાં ATM પણ કૉરોના સંક્રમિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. શહેરના મોટા ભાગના ATM મશિનને કૉરોનાના સામાન્ય લક્ષણો જણાતા આઉટ ઑફ સર્વિસ થયા છે માટે ATM સેન્ટરને ક્વૉરન્ટાઇન કરાતા શટર બંધ જોવા મળી રહ્યા છે તો કેટલાક ATM સેન્ટરમાં મશિન જ બંધ કરી દેવાયા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં અવાર નવાર બેંકોના એટીએમ બંધ થતા ગ્રાહકોએ ધરમના ધક્કા ખવાનો વારો આવ્યો છે. સરકાર બેંકોમાં અવાર-નવાર બદલાવ કરીને ગ્રાહકોની સુવિધાઓમાં વધારો કરવાની વાતો કરે છે પણ સુવિધાઓ અથવા તો ટેકનિકલ કારણોથી બંધ પડેલી સિસ્ટમને ફરી શરૂ કરવામાં અધિકારીઓને જાણે કોઇ જ રસ ન હોય તેવું લાગે છે. શહેરના ડીપ વિસ્તારથી બસ સ્ટેશન સુધીના મોટા ભાગના ATM બંધ હાલતમાં તો ક્યાંક આઉટ ઑફ સર્વિસ જોવા મળી રહી છે. સરકારી તો ઠીક ખાનગી બેંકના ATM પણ કૉરોનામાં સપડાયા હોય તેવું લાગી રહ્યું છે.
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બેંકમાં ભારે ભીડ હોવાને કારણે ગ્રાહકો ATM માંથી નાણા ઉપાડવાનું પસંગ કરી રહ્યા છે પણ મોટા ભાગના એટીએમ બંધ હોવાને કારણે ગ્રાહકો ધરમના ધક્કા ખાઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દસ દિવસ કરતા વધારે સમયથી આ જ સમસ્યાનો સામનો ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકો 24 કલાક કોઇપણ સમયે નાણાંની લેવડ-દેવડ આસાનીથી કરી શકે પણ હવે આવું નથી રહ્યું કારણ કે, મોટાભાગના સમયે એટીએમ આઉટ ઓફ સર્વિસ થાય છે તો કોઇકવાર નાણાં ખૂટી પડે છે. શહેરના મોટા ભાગના એટીએમમાં ઓફ લાઇન અને આઉટ ઑફ સર્વિસ નો મેસેજ ફ્લેશ થતો હતો ત્યારે બીજા એટીએમ માત્ર શોભાના ગાંઠીયા સમાન મુકેલા જોવા મળતા ગ્રાહકો રોષે ભરાયા હતાં, પણ ગ્રાહકો પૂછે તો કોને પૂછે, અહીં તો કોઇ જવાબ આપવા વાળું હોતું નથી.