બાયો બબલમાં ખેલાડીઓને માનસિક થાક લાગે: કોહલી
દુબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન તેમજ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ સતત બાયો બબલમાં રહીને રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, સતત એક પછી બીજા બાયો બબલમાં રહીને રમવાથી ક્રિકેટર માનસિક થાક અનુભવી શકે અને આ વાતનો ટીમ મેનેજમેન્ટે ખ્યાલ રાખવો જોઈએ. આ ઉપરાંત વિરાટ કોહલીએ ભવિષ્યમાં લાંબા પ્રવાસ કાર્યક્રમને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો. આઈપીએલમાં શુક્રવારે રોયલ બેંગ્લોર ચેલેન્જર અને સનરાઈઝર્સ વચ્ચે એલિમિનેટર છે.
આઈપીએલની સીઝન સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થશે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ સીરિઝ રમશે. કોહલીએ બાયો બબલમાં સતત રહેવા અંગે પોતોનો મત રજૂ કરતા કહ્યું કે, એક પછી બીજા બાયો બબલમાં રહીને રમવાથી ખેલાડી માનસિક થાક અનુભવે છે અને તેનું ધ્યાન રાખવાની જરૂર છે.
ખેલાડીઓ હાલમાં બાયો બબલમાં સાથે રહીને સમય પસાર કરી રહ્યા છે. સાથે સારું ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ ક્યારેક આ કપરું બની જતું હોય છે. માનસિક થાક ઉપર પણ ધ્યાન આપવું પડશે. પ્રવાસ કેટલો લાંબો છે અને ખેલાડીઓ પર તેની શું માનસિક અસર પડી શકે છે તે અંગે પણ વિચાર કરવો પડશે. એક જ માહોલમાં ૮૦ દિવસ પસાર કરવા અને બીજું કંઈ જ ના કરવું અને પરિવારને મળવાની મંજૂરી પણ ના હોય તેવામાં મુશ્કેલી સર્જાય છે. આ બાબતો અંગે ગંભીરતાથી વિચાર જરૂરી છે. અંતે ખેલાડી માનસિક રીતે સ્વસ્થ હોય તેવું ટીમ મેનેજમેન્ટ ઈચ્છતું હોય છે. આ અંગે નિયમિત વાતચીત થવી જોઈએ.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પણ સીરિઝ રમશે જે પણ બાયો બબલમાં યોજાશે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે પણ બાયો બબલથી માનસિક થાક લાગતો હોવાથી બિગ બેશ લીગમાં રમવાન ઈનકાર કરી દીધો હતો.SSS