“એએમસી જલ” નવી શરતો સાથે રી-લોન્ચ કરવામાં આવશે
કોન્ટ્રાક્ટર પાસેથી પાણી વપરાશ બદલ પ્રતિ કિલોલીટર રૂા.૩૦ લેવામાં આવશે કોર્પાેરેશનને રાહત દરે મીનરલ વોટર મળશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના બહુચર્ચિત “એએમસી જલ” મીનરલ વોટર પ્લાન્ટ વધુ એક વખત કાર્યરત થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશને નવી ટેન્ડર શરતો સાતે જુના ઓફરદારને જ પ્લાન્ટ આપવા નિર્ણય કર્યા છે. કોન્ટ્રાક્ટર તરફથી મનપાને પાણી બોટલના વેચાણ સામે રોયલ્ટી મળશે. તદુપરાંત લાઈટ બીલ ભરવાની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરના શિરે રહેશે. જ્યારે કોતરપુર પ્લાન્ટના પાણી વપરાશ બદલ પણ કોન્ટ્રાકટર પાસેથી ચાર્જ લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના વિવિધ કાર્યક્રમોમાં મીનરલ વોટર માટે દર વર્ષે થતાં ખર્ચને રોકવા માટે ૨૦૧૫માં એએમસી જલનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના માટે રૂા.૧.૪૧ કરોડનો ખર્ચ થયો હતો. મ્યુનિ.લાઈટ વિભાગ દ્વારા પ્લાન્ટના ઓપરેશન મેઈન્ટેનન્સ તથા પાણી બોટલોના વેચાણ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા.
જેમાં સૌથી વધુ રોયલ્ટી ઓફર કરનાર પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર એએમસી જલનો અભિગમ નિષ્ફળ સાબિત થયો હતો તથા પ્લાન્ટ બંધ કરવાની પરિસ્થિતિ ચાલી હતી. હવે તંત્ર દ્વારા વધુ એક વખત નવી શરતો સાથે હાઈએસ્ટ રોયલ્ટી ઓફર કરનાર વિશાલ એન્ટરપ્રાઈઝને ચલાવવા માટે આપવા માટે વોટર સપ્લાય કમીટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કમીટી ચેરમેન રશ્મિભાઈ શાહના જણાવ્યા મુજબ એએમસી જલ પ્લાન્ટની પ્રતિ બોટલના વેચાણ બદલ મનપાને ૨૫ પૈસા રોયલ્ટી પેટે મળશે.
જ્યારે પ્રતિ જાર રૂા.ત્રણ રોયલ્ટી મળસે. મીનરલ વોટર પ્લાન્ટના ઓફરદાર દ્વારા ૨૦૦ મી.લી. બોટલ રૂા.૫, ૫૦૦ મી.લી. રૂા.નવ, એક લીટરની બોટલ રૂા.૧૫ તથા ૨૦ લીટર જાર રૂા.૩૦ના ભાવથી ખુલ્લા બજારમાં વેચાણ કરશે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશનને ૨૦૦ મી.લી. બોટલ રૂા.૩.૭૦, ૫૦૦ મી.લી. રૂા.૬.૫૦, એક લીટર બોટલ રૂા.૭.૫૦ તથા ૨૦ લીટર જાર રૂા.૧૫ના ભાવથી આવશે. ટેન્ડર શરત મુજબ પાણી ક્વોલીટીની તમામ વાબદારી કોન્ટ્રાક્ટરના શિરે રહેશે. પાણીની ક્વોલીટી મેઈન્ટેન ન થાય તેવા સંજાેગોમાં કોન્ટ્રાક્ટરને રૂા.૧.૧૦ હજારથી રૂા.૨૫ હજાર સુધીની પેનલ્ટી કરવામાં આવશે.
નવા ટેન્ડરમાં ઈલેક્ટ્રીક બીલ ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરના શિરે રહેશે. જ્યારે પ્લાન્ટમાં વપરાશ થતાં પાણી માટે પ્રતિ કિલો લીટર રૂા.૩૦ લેખે ચાર્જ લેવામાં આવશે. જેના માટે અલગથી વોટર મીટર મૂકવામાં આવશે. આશ્ચર્યજનક બાબત એ છે કે મીનરલ વોટર પ્લાન્ટ માટે પાંચ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં લાઈટ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા અને પ્લાન્ટ મશીનરી તેમજ ઈલેક્ટ્રીક-મીકેનીકલ કામગીરી કરવામાં આવશે.
વોટર પ્રોડક્શન વિભાગના કોતરપુર સ્ટાફને દૈનીક કામગીરીનું મોનીટરીંગ કરશે. હેલ્થ વિભાગને પ્લાન્ટ માટે જરૂરી બીઆઈએસ અને એફએસએસએઆઈ તેમજ અન્ય લાયસન્સ દસ્તાવેજની કામગીરી તથા ક્વોલીટી ચેકીંગની જવાબદારી સોંપવામાં આવી છે. સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પાણીના રેન્ડમ ચેકીંગ કરવામાં આવશે. જ્યારે એકાઉન્ટ્સ વિભાગને પાણી બોટલના વેચાણ, સ્ટોરેજ અને તે અંગેના જરૂરી રેકોર્ડસ પુરા પાડી પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સદર પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોતરપુર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટેડ પાણી મેળવી પ્રતિ કલાક બે હજાર લીટર પેકેજ ડ્રીડીંગ વોટર તૈયાર થાય છે. કોતરપુર પ્લાન્ટમાંથી આવતા પાણીને માઈક્રોફીલ્ટરેશન, અલ્ટ્રાફીલ્ટરેશન અને રીવર્સ ઓસ્મોસીસ જેવી ટ્રીટમેન્ટ આપી શુદ્ધ કરવામાં આવે છે.