OROP : સંરક્ષણ દળના 20,60,220 પેન્શનર્સ/ફેમિલી પેન્શનર્સને રૂ. 42740 કરોડની ચુકવણી થઈ
ભારત સરકારે 7.11.2015ના રોજ એક આદેશ જાહેર કરીને વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)નો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જંગી નાણાકીય ભારણ હોવા છતાં સરકારે એનો અમલ 01.07.2014થી કરીને ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે કરવાનો નિર્ણય લીધો હતો, જે એની દેશના જવાનો અને એમના પરિવારજનોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એમાં 30.06.2014 સુધી નિવૃત્ત થયેલા સૈનિકોને આવરી લેવામાં આવ્યાં હતાં.
સંરક્ષણ ક્ષેત્રના પેન્શનના જંગી ભારણ અને એની જટિલતાને ધ્યાનમાં રાખીને સરકારે ઓઆરઓપીના અમલ પર સરકારી આદેશ જાહેર કરતા અગાઉ નિષ્ણાતો અને પૂર્વ સૈનિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી.
પૂર્વ સૈનિકો લગભગ 45 વર્ષથી ઓઆરઓપીના અમલીકરણની માગ કરતાં હતા, પણ વર્ષ 2015 સુધી એનો અમલ થયો નહોતો. ઓઆરઓપીનો અર્થ થાય છે કે, સશસ્ત્ર દળમાં નિવૃત્ત થયાની તારીખને ધ્યાનમાં રાખ્યા વિના એકસમાન સમયગાળા સુધી સેવા આપનાર સમાન રેન્ક ધરાવતા સૈનિકોને એકસરખું પેન્શન ચુકવવું. એટલે ઓઆરઓપીના અમલમાં નિયમિત સમયાંતરે વર્તમાન અને અગાઉ નિવૃત્તિ થયેલા સૈનિકોના પેન્શનના દર વચ્ચે રહેલો ફરક દૂર કરવાનો છે.
ઓઆરઓપીના અમલને કારણે એરિઅર્સ તરીકે સશસ્ત્ર દળના 20,60,220 પેન્શનર્સ/ફેમિલી પેન્શનર્સને રૂ. 10795.4 કરોડની રકમ આપવામાં આવી છે. ઓઆરઓપીના કારણે વાર્ષિક રિકરિંગ ખર્ચ આશરે રૂ. 7123.38 કરોડ છે અને 01.07.2014થી શરૂ થયા પછી આશરે છ વર્ષ માટે રિકરિંગનો કુલ ખર્ચ અંદાજે રૂ. 42740.28 કરોડ છે.
જ્યારે ઓઆરઓપીના લાભાર્થીઓને સાતમા પગાર પંચ હેઠળ પેન્શન ફિક્સેશનનો લાભ પણ આપવામાં આવ્યો છે, ત્યારે પેન્શનની ગણતરીમાં 2.57ના ગુણાંકમાં કરવામાં આવી છે.