Western Times News

Gujarati News

ભારત અને ઇટાલી વચ્ચેના ગાઢ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ: પ્રધાનમંત્રી

ભારત-ઇટાલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

કોવિડ-19 ને લીધે જેમ તમે ઉલ્લેખ કર્યો છે, મે મહિનામાં મારે મારો ઇટાલી પ્રવાસ મુલતવી રાખવો પડ્યો. સારી વાત એ છે કે આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યા છીએ. સૌ પ્રથમ હું મારા અને ભારતના તમામ નાગરિકો તરફથી ઇટાલીમાં કોરોનાવાયરસથી થયેલા નુકસાન માટે સંવેદના વ્યક્ત કરું છું. જ્યારે વિશ્વના અન્ય દેશો કોરોના વાયરસ વિષે જાણી રહ્યા હતા, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે તમે આપત્તિથી ઝઝૂમી રહ્યા હતા.

તમે સંપૂર્ણ સફળતા સાથે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લીધી અને આખા દેશને સંગઠિત કર્યો. મહામારીના પહેલા મહિનામાં ઇટાલીની સફળતાએ અમને બધાને પ્રેરણા આપી. તમારા અનુભવોએ અમને બધાને માર્ગદર્શન આપ્યું છે.

તમારી જેમ હું પણ ભારત અને ઇટાલી વચ્ચેના ગાઢ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છું. 2018માં ટેક સમિટ માટે તમારી ભારત મુલાકાત અને આપણી મુલાકાત અનેક મુદ્દાઓ સ્પર્શ કરવા વાળી રહી, ભારતના લોકોના મનમાં પણ ઇટાલી પ્રત્યે એક નવી જિજ્ઞાસા ઉત્પન્ન કરવા વાળી રહી. તે આનંદની વાત છે કે 2018માં આપણી વાટાઘાટો પછી પરસ્પર આદાન-પ્રદાનમાં ઘણી ગતિ આવી છે.

મને એ જાણીને આનંદ થાય છે કે ઇટાલીની સંસદે ગત વર્ષે India – Italy Friendship Groupની સ્થાપના કરી છે. હું આશા રાખું છું કે કોવિડની સ્થિતિ સુધર્યા પછી ઇટાલિયન સંસદ સભ્યોને ભારતમાં આવકારવાની તક મળશે.

તે સ્પષ્ટ છે કે કોવિડ-19 રોગચાળો બીજા વિશ્વ યુદ્ધની જેમ ઇતિહાસમાં અતિવિશેષ રહેશે, આપણે બધાએ પોતાને આ નવી દુનિયા, પોસ્ટ કોરોના વર્લ્ડ, તેનાથી ઉદભવેલા પડકારો અને તકો સાથે સ્વીકારવાનું છે. આપણે બધાએ નવી રીતે તૈયાર રહેવું પડશે. મને વિશ્વાસ છે કે આજે આપણા વાર્તાલાપથી આપણા સંબંધો મજબૂત બનશે, પરસ્પર સમજણ વધારશે અને સહકારના નવા ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.