ઝઘડિયાના રાજપારડી ચોકડી નજીક સરદાર પ્રતિમા માર્ગ પર લાંબા સમયથી મેટલોના ઢગલાથી હાલાકી
મેટલોના ઢગલાના કારણે વાહનચાલકોની રોંગ સાઇડે જવાની મજબૂરી : તંત્ર જાણે જીવલેણ અકસ્માતની રાહ જોતુ હોય એમ દેખાય છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના રાજપારડીના ચાર રસ્તા પરથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે.રાજપારડી ચાર રસ્તાથી લઇને કબ્રસ્તાન સુધી આ ધોરીમાર્ગ પર એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા છે. ચોમાસાની શરુઆતે ચાર રસ્તા નજીક માર્ગ પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનો ફસાવાની ઘટનાઓ બનતા હોબાળો થયો હતો ત્યાર બાદ તંત્ર દ્વારા રોડની એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા હતા
પરંતુ ત્યારબાદ કોઇ સઘન કામગીરીના અભાવે લાંબો સમય વિતવા બાદ પણ મેટલોના ઢગલા યથાવત રહ્યા છે અને મેટલોના ઢગલા એ ઢગલા જ રહ્યા છે પરિણામે જનતાની તકલીફ ઘટવાના બદલે વધી રહી છે.
માર્ગની એક તરફ ખડકાયેલા મેટલોના ઢગલાઓના કારણે રાજપારડી ચોકડીથી લઇને મધુમતિ ખાડીના પુલ સુધી બન્ને તરફના સરદાર પ્રતિમા ના પ્રવાસીઓના વાહનો તથા સ્થાનિક વાહનોએ એકજ તરફના માર્ગે થઇને આવજાવ કરવા મજબુર બન્યા છે.જેના કારણે નાના મોટા અકસ્માતો થાય છે.
આ ધોરીમાર્ગ પર લાંબા સમયથી રોંગ સાઇડે દોડતા વાહનોની સમસ્યા સ્થાનીક લોકોને પણ બતાવું રહી છે પરંતુ રાજપારડીના ચાર રસ્તા નજીક મજબુરીના કારણે રોંગ સાઇડે દોડતા વાહનોથી કોઈવાર જીવલેણ અકસ્માત થશે ત્યારે તંત્ર જાગશે? કે પછી તંત્ર અકસ્માતની રાહ જોઈને બેઠુ છે?આ બાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે.