બિહારમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ટક્કરના સંકેત
નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ગયા છે. રાજ્યમાં કુલ ૨૪૩ બેઠકો પર ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ ૧૦ નવેમ્બરના રોજ જાહેર થવાનું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં દેશમાં થયેલી આ સૌથી મોટી ચૂંટણી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વોટિંગ કરાયું હતું.
સી-વોટર્સ-એબીપીનો એક્ઝિટ પોલ અનુસાર એનડીએઃ જેડીયુ- ૩૮-૪૬ બેઠક, ભાજપ- ૬૬-૭૪ બેઠક, વીઆઈપી- ૦-૪ બેઠક, એચએએમ- ૦-૪ બેઠક યુપીએઃ આરજેડી- ૮૧-૮૯ બેઠક, કોંગ્રેસ- ૨૦-૨૧ બેઠક, ડાબેરી- ૬-૧૩ બેઠક મળવાની શક્યતા દર્શાવાઈ છે.
ટાઈમ્સ નાઉ-સી વોટર્સનો એક્ઝિટ પોલમાં એનડીએને ૧૧૬, મહાગઠબંધનને ૧૨૦, એલજેપીને ૧ અને અન્યોને ૬ બેઠક મળી શકે છે. આ એક્ઝિટ પોલ અનુસાર બિહારમાં કોઈને સ્પષ્ટ બહુમત ના મળે તેવી શક્યતા છે.
સી-વોટર્સના એક્ઝિટ પોલ અનુસાર, આરજેડી સૌથી વધુ બેઠકોવાળી પાર્ટી બની રહી છે. જ્યારે જેડીયુ ત્રીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. આરજેડી બાદ ભાજપને સૌથી વધુ બેઠકો મળે તેવું અનુમાન આ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરાયું છે. એનડીએને ૧૧૦-૧૨૦ બેઠકો, મહાગઠબંધનઃ ૧૧૫-૧૨૫ બેઠકો, એલજેપીઃ ૩-૫, અન્યઃ ૧૦-૧૫ બેઠકોે મળે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.
આ વખતની ચૂંટણી સાથે લડનારા ભાજપ અને જેડીયુ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં સામસામે હતા. જ્યારે જેડીયુ મહાગઠબંધનનો હિસ્સો હતું જેમાં લાલુ પ્રસાદ યાદવનો પક્ષ રાષ્ટ્રીય જનતા દળ પણ તેની સાથે હતો. જોકે, લાલુ અને નીતિશની ગઠબંધન સરકાર લાંબુ નહોતી ખેંચી શકી, અને નીતિશે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ૨૦૧૫માં એનડીએનો ભાગ રહેલી લોક જનશક્તિ પાર્ટીએ આ વખતે એકલા હાથે ચૂંટણી લડી છે. તેણે ભાજપ સામે તો કોઈ ઉમેદવાર નથી ઉતાર્યા, પરંતુ જે બેઠકો પર જેડીયુના ઉમેદવારો મેદાનમાં હતા ત્યાં તેણે પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે.
૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ ૧૪૪ બેઠકો, કોંગ્રેસે ૭૦, જેડીયુએ ૧૧૫ અને ભાજપે ૧૧૦ બેઠકો પરથી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ૨૦૦૫થી બિહારના સીએમ રહેલા ૬૯ વર્ષીય નીતિશ કુમારની આ છેલ્લી વિધાનસભા ચૂંટણી છે. તાજેતરમાં જ તેમણે એક ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે આ તેમની અંતિમ ચૂંટણી સભા છે. જો નીતિશ કુમાર ૨૦૨૦માં ફરી સત્તા પર આવે તો તેમની આ લાગલગાટ ચોથી ટર્મ હશે. જોકે, રાજકીય પંડિતોનું માનીએ તો આ વખતે નીતિશ માટે ટર્મ પૂરી કરવી એટલી આસાન નહીં હોય.
બિહાર વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતની આઠ અને એમપીની ૨૮ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપતા ખાલી પડી છે. આમ, આ બંને રાજ્યોમાં પણ ભાજપની પરીક્ષા થવાની છે. એમપીમાં ભાજપને બહુમતી ટકાવી રાખવા માટે ૮ બેઠકોની જરુર છે. જોકે, ગુજરાતમાં ભાજપને બહુમતીની કોઈ ચિંતા નથી.SSS