તાલિબાનો પર અફઘાન સેનાની એરસ્ટ્રાઈક, ૨૯ આતંકીનાં મોત
કાબૂલ, તાલિબાની આતંકીવાદથી પીડિત અફઘાનની સેનાએ તાલિબાન વિરુદ્ધ મહત્વની કાર્યવાહી કરતા ત્રણ અલગ-અલગ આતંકી છાવણીઓ પર હવાઇ હુમલો કર્યો છે. જેમાં આશરે ૨૯ તાલિબાની આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અફઘાન સેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં તાલિબાનનો એક ગુપ્ત અધિકારી પણ માર્યો ગયો હતો. અફઘાનના રક્ષા મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું કે, હેલમંડના નાદ અલીમાં તાલિબાની જૂથો પર કરાયેલી એરસ્ટ્રાઇકમાં તેના ૧૦ આતંકીઓ માર્યા ગયા હતા.
આ હુમલામાં એક તાલિબાની અધિકારીના મોત સહિત એક ગવર્નર ઘાયલ થયો હતો. આ સાથે કુંડુજમાં બે વિસ્તારોમાં હવાઇ હુમલા દરમિયાન ૧૨ તાલિબાની આતંકીઓ માર્યા ગયા હતા, આ હુમલામાં ૬ આતંકીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે જ્યારે આતંકી છાવણીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.
અફઘાનની સેનાએ ત્રીજો હવાઇ હુમલો જાબુલમાં કર્યો હતો, જેમાં સાત તાલિબાની આતંકીઓ માર્યા ગયા અને ૩ ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તાલિબાની આતંકીઓ કાબૂલ પર કબજો લેવાના પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનને તાબે કરવા માટે અહીં આઇએએસ અને તાલિબાની આતંકીઓ સતત કહેર વર્તાવી રહ્યા છે. જેના પરિણામ સ્વરુપે અફઘાનમાં જતે દિવસે આતંકી હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ હુમલા ખાસ કરીને અફઘાનના સુરક્ષા દળોની ટૂકડીઓ કે છાવણીઓ પર કરવામાં આવી રહ્યા છે.SSS