વ્યાજખોરે વ્યાજ માફ કરવાનું કહી પરીણિતા પર દુષ્કર્મ કર્યું
સુરત, મોટા વરાછાની પરિણીતાએ વ્યાજે લીધેલા ૫.૫૦ લાખનું વ્યાજ માફ કરવું હોય શારીરિક સંબંધ બાંધવા પડશે તેમ કહી સતત બે વર્ષ સુધી વરાછા, કામરેજની હોટેલમાં તથા કતારગામમાં મિત્રને ઘરે લઈ જઈ યૌનશોષણ કરનાર ફાયનાન્સર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પરિણીતા અને ફાયનાન્સર વચ્ચે યૌન સંબંધની ખબર પડી જતાં પતિએ છૂટાછેડા આપી દીધા હતા. શરૂઆતમાં ઘેની પદાર્થ પીવડાવી વરાછાની હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ કરી બદનામ કરવાની ધમકી આપી યૌનશોષણનો સિલસિલો શરૂ થયાનો પરિણીતાએ આક્ષેપ કર્યો હતો.
મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી ૩૦ વર્ષીય પરિણીતાની મોટી બહેનના બીજાં લગ્ન માટે બે વર્ષ પહેલાં એક યુવાન આવ્યો હતો તેની સાથે કતારગામ ગંગા રેસિડેન્સીમાં રહેતો અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો રાજેશ બોધા હન આવ્યો હોઈ પરિણીતા સાથે પરિચયમાં આવ્યો હતો. તે વખતે બ્યુટી પાર્લરના વ્યવસાય માટે તેણે આ ફાયનાન્સર પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
બે વર્ષ પહેલાં વેડરોડથી પાસોદરા જવા માગતી આ પરિણીતાને રાજેશ હને કારમાં લિફ્ટ આપી કોલ્ડ્રિંક્સમાં ઘેની પદાર્થ પીવડાવી હોટેલમાં લઈ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારથી પરિવારને જાણ કરી દેવાની ધમકી આપી તથા વ્યાજ નહિ આપવું હોય તો શારીરિક સંબંધ માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ પરિણીતાએ પોલીસ સમક્ષ કર્યો હતો. બંનેના સંબંધને કારણે પતિએ ડિસેમ્બર-૧૯માં છૂટાંછેડાં આપી દીધા હતા. જોકે, ત્યારબાદ તેની પુત્રીને લઈને જતા રહેવાની કથિત ધમકી આપ્યાના ગંભીર આક્ષેપ સાથે પરિણીતાએ ગુરુવારે બળાત્કાર, ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાવતા સબ ઇન્સપેક્ટર એચ.વી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.SSS