જવાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું
મોરબી: હળવદના સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. સ્થાનિક પોલીસની ટીમે સાપકડાં ગામનાં ઘરે જઇને તપાસ હાથ ધરી છે. હાલ તેમના મૃતદેહને પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે.
એલઆરડી જવાને આ અંતિમ પગલુ કેમ ભર્યું હજી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે, લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરથી ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે. જેમાં રાત્રીના આશરે ૧૦ : ૩૦ વાગ્યાની આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા. આ દરમિયાન અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવાર જનો દોડી ગયા હતા. જે બાદ અનિલ ડાભીને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ, મોરબી એસપી એસઆર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ હળવદ દોડી ગયો હતો. જોકે, આ આત્મહત્યા કેમ કરી એ કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ અનિલ ડાભીના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે આશાસ્પદ યુવાન અને લોકરક્ષક પોલીસકર્મીએ મોતને વ્હાલું કરી લેતા નાના એવા સાપકડાં ગામ અને પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઇ છે. હળવદના સાપકડાં ગામના એલઆરડી પોલીસકર્મીએ ચૂંટણી ફરજ માટે આપેલી સર્વિસ રિવોલ્વર માંથી ભડકો કરી આત્મહત્યા કરતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે.